US Trump Tariff News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરી હતી. જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. તેમના નિર્ણયની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના દબાણ હેઠળ ઝિમ્બાબ્વેએ અમેરિકન માલ પરના ટેરિફ દૂર કર્યા છે.

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ ફક્ત કેનેડા માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ નુકસાનકારક બની શકે છે. જોકે ટ્રમ્પ દાવો કરે છે કે આ નિર્ણયથી અમેરિકા વધુ સમૃદ્ધ બનશે પરંતુ વિશ્વભરના બજારોની સ્થિતિ અને નેતાઓના નિવેદનો આનાથી વિપરીત લાગે છે.

શેરબજારમાં મોટો ઘટાડો

ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ વિશ્વભરના શેરબજારોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. સોમવારે એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 6.3 ટકા ઘટ્યો અને હોંગકોંગનો હેંગ સેંગ 10 ટકા ઘટ્યો હતો. ભારતનું શેરબજાર પણ ખુલતાની સાથે જ લગભગ 5 ટકા ઘટ્યું હતું.

શુક્રવારે અમેરિકાના તમામ મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ 5 ટકાથી વધુ ઘટ્યા હતા. S&P 500 એ 2020 પછીનું સૌથી ખરાબ સપ્તાહ સહન કર્યું હતું. JP મોર્ગન બેન્કે ચેતવણી આપી છે કે આ ટેરિફને કારણે યુએસ અને વિશ્વ અર્થતંત્રમાં મંદીની શક્યતા 60 ટકા વધી ગઈ છે.

અમેરિકામાં શનિવારે 'હેન્ડ્સ ઓફ!' નામથી  પ્રોટેસ્ટમાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને એલોન મસ્કની નીતિઓનો જોરદાર વિરોધ કર્યો હતો. તાજેતરના સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ આ સૌથી મોટું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન હતું, જેમાં દેશભરમાં 1,200 થી વધુ સ્થળોએ વિરોધ રેલીઓ યોજાઈ હતી.

આ રેલીઓમાં 150 થી વધુ સંગઠનોએ ભાગ લીધો હતો, જેમાં નાગરિક અધિકાર જૂથો, મજૂર સંગઠનો, LGBTQ+ કાર્યકરો, નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી કાર્યકરોનો સમાવેશ થાય છે. 'Hands off!' આ વિરોધ એક વ્યાપક આંદોલન છે જે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરવા માટે આયોજિત કરવામાં આવે છે.