Wrestlers Protest Today: સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ બાદ ખેલાડીઓએ સવારે બેઠક બોલાવી હતી. પરસ્પર સંમતિ બાદ અમે નક્કી કરીશું કે સરકારને ક્યારે મળવાનું છે. તમામ ખેલાડીઓ સોનીપતમાં છે અને બુધવારે (7 જૂન) દિલ્હી જઈ શકે છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહેલા કુસ્તીબાજોના કેસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે કેન્દ્રીય રમતગમત મંત્રીએ મંગળવારે (6 જૂન) વાટાઘાટનું આમંત્રણ આપ્યું હતું.


સરકારની પહેલ બાદ દિલ્હી જઈ શકે છે કુસ્તીબાજો


કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું, સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા કરવા ઇચ્છુક છે. મેં ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે બોલાવ્યા છે. અગાઉ 3 જૂનના રોજ સરકાર દ્વારા મડાગાંઠને ખોલવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે બેઠક યોજાઈ હતી.






બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોનું આંદોલન


દેશના પ્રખ્યાત કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ સામે મોરચો ખોલ્યો છે. બ્રિજ ભૂષણ સામે મહિલા રેસલર્સના યૌન શોષણનો આરોપ છે. આ મામલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આમાંની એક એફઆઈઆરમાં સગીરના યૌન શોષણનો ઉલ્લેખ છે અને આ કેસમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ લગાવવામાં આવી છે.


જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા હતા


કુસ્તીબાજોએ 23 એપ્રિલના રોજ દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ધરણા શરૂ કર્યા હતા. જે 28 મેના રોજ દિલ્હી પોલીસે ખતમ કરી દીધા હતા. 28 મેના રોજ જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. તે જ દિવસે કુસ્તીબાજોએ સંસદની સામે મહિલા પંચાયત યોજવાની જાહેરાત કરી હતી. સવારે લગભગ 11.30 વાગ્યે કુસ્તીબાજોએ સંસદ ભવન તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કુસ્તીબાજો રાજી ન થયા. ત્યારબાદ પોલીસે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને કસ્ટડીમાં લીધા. પોલીસે જંતર-મંતરથી કુસ્તીબાજોનો સામાન હટાવી લીધો હતો અને કહ્યું હતું કે હવે તેમને અહીં વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.