Gandhinagar: વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ યોજાઈ
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ જાળવણી સાથે વન્યસૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ સંવર્ધનના સમન્વયથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નેમ સાકાર કરવા અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જીવ માત્ર માટે દયા - કરુણાના ભાવ રહે તે માટે સરકારના પ્રયાસમાં જનસહયોગ અને સૌનો સાથ મળે તે આવશ્યક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે આયોજિત વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં સંબોધન કરતા આ અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ સંદર્ભમાં યોજાયેલું વાઈલ્ડ્લાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. રાજ્યમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને વન્યજીવ સૃષ્ટિ અંગેના રિસર્ચ સાથે સંકળાયેલા સ્કોલર્સ, સંશોધકો, ફોટોગ્રાફર્સ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, માનવ કે પશુ પંખી જ નહીં, નાનામાં નાના જીવનું પણ રક્ષણ થાય તેવો ખ્યાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યો છે. તાજેતરના વાવાઝોડા, વરસાદની કુદરતી આફતના સમયે તેમણે વાઇલ્ડ લાઇફ સહિત સૌના ઝિરો કેઝ્યુઆલિટી અપ્રોચ માટે સતત ચિંતા સેવીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ વન્ય પ્રાણીની તસવીર લેવામાં પોતાની જાતને પણ જોખમમાં મૂકીને જે સાહસ દાખવે છે તેની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, આવી અદમ્ય તસવીરો છેક અંતરિયાળ વિસ્તારો સુધી વિવિધ માધ્યમોથી પહોંચાડીને લોકોમાં વન્ય પ્રાણી પ્રત્યે સંવેદના જગાવવાનું કામ આ તસવીરકારો કરે છે.
મુખ્યમંત્રીએ વાઇલ્ડ લાઈફના જતન સંવર્ધન માટે જંગલ વિસ્તાર વધુ વિસ્તરી શકે તે માટેના તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટેના સુઝાવની પણ આ ફોટોગ્રાફર્સ, રિસર્ચર્સ અને સ્કોલર્સ પાસેથી અપેક્ષા દર્શાવી હતી.
વન વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે સૌને આવકારીને સ્વાગત પ્રવચન દ્વારા આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. વન્યજીવ સંરક્ષણ અને વિવિધ નાવિન્યપૂર્ણ કામગીરીનું પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક વાઇલ્ડ લાઈફ નિત્યાનંદ સહિત વન વિભાગના વરિષ્ઠ વન સંરક્ષક તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે શોધ - સંશોધન કરતા યુવાઓ, NGO વગેરે પણ જોડાયા હતા.