Rain: ઉત્તર ગુજરાતમાં મૂશળધાર વરસાદ, મહેસાણામાં અનેક વાહનો પાણીમાં ગરકાવ, પ્રાંતિજમાં પાંચ ઈંચ વરસાદ
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં પ્રાંતિજમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભારે વરસાદને પગલે હિંમતનગરમાં ગરનાળામાં એસટી બસ ડૂબી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, બહુચરાજી, કડી, વિજાપુર, ઊંઝા, વિસનગર, જોટાણા પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી મહેસાણા રસ્તા પર પાણી ભરાયા હતા.
મહેસાણામાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોઢેરા ચોકડીથી દિવ્યાસણ તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. માર્ગ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા હતા.મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગોપીનાળા અને ભમ્મરીયા નાળામાં પાણી ભરાઇ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મહેસાણામાં સ્કૂલે જતા અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા. ભમરીયા નાળામાં પાણી ભરાતા 30 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ તાલુકામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા તાલુકામાં ચાર ઈંચ, તલોદ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, મોડાસા તાલુકામાં સાડા ત્રણ ઈંચ, હિંમનગરમાં ત્રણ ઈંચ, મેઘરજ અને માણલા તાલુકામાં ત્રણ ત્રણ ઈંચ, મહેસાણા જિલ્લામાં ત્રણ ઈંચ, જોટાણા તાલુકામાં બે ઈંચ, બાયડમાં બે ઈંચ, દહેગામ, વિજાપુરમાં દોઢ દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લુણાવાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સંતારામપુર તાલુકામાં ત્રણ ઈંચ,કડાણા તાલુકામાં બે ઈંચ તો બાલાસિનોર અને વીરપુર તાલુકામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
નડિયાદમાં સવારે 2 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલવે અંડર પાસના ચારેય ગરનાળામાં પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના નીચાણ વાળા વિસ્તારો રબારી વાસ, પીજ ભાગોળ, પીજ રોડ, વૈશાલી રોડ, ઇન્દિરા નગરી, જેવા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
દાહોદ શહેરમાં મોડી રાત્રિથી શરુ થયેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. શહેરમાં અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કોમ્પલેક્ષમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયુ છે.દાહોદ જિલ્લામાં મોડી રાત્રિના વરસાદથી ડીપનાળું ધોવાયુ હતું. જિલ્લાના સંજેલી તાલુકામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ બે કાંઠે થતા હિરોલા ખાતે નદી પરનું ડીપનાળું ધોવાયું છે. જેથી સ્થાનિકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
હમીરગઢ પાસે અંડરબ્રિજમાં પાણીમાં બસ ગરકાવ થઇ હતી. સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજના પાણીમાં એસટી બસ ગરકાવ થઇ હતી. જોકે તેમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. સ્થાનિકોની મદદથી ડ્રાઈવર અને કંડક્ટરનો બચાવ થયો હતો.