સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામમાં ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરી થકી સખીમંડળની બહેનો મેળવી રહી છે આવક
હરસોલ ગામમાં સામુદાયિક શૌચાલય, શોકપીટ, કોમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન સેટ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગામમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં નહોતો આવતો. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવામાં આવતું હતું અથવા તો બાળી નાખવામાં આવતું હતું. જેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જિલ્લા અને તાલુકા અધિકારીઓની ટીમો એકસાથે બેઠી અને તેના સમાધાન અંગે ચર્ચા કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતે ગામડાના ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ કાર્યો સખીમંડળની મહિલાઓને સોંપવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો. વિવિધ સખીમંડળની બહેનોને સૌપ્રથમ તો ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયાઓ અંગે વાકેફ કરવામાં આવ્યા, તે અંગે સમજણ આપવામાં આવી. ત્યારબાદ મહિલાઓના જ્ઞાન અને રસ-રૂચિ અનુસાર તેમજ સખીમંડળના સમૂહની તાકાતના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કામગીરી માટે હરસોલ ગામથી 12 કિમી દૂર આવેલા સાગપુર ગામના જોગમાયા સખીમંડળની પસંદગી કરવામાં આવી.
સખીમંડળની મહિલાઓ પોતે જ રિક્ષા ચલાવીને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે એકાંતરે દિવસે ગામના દરેક ઘરે પહોંચી જાય છે. દરેક ઘરમાંથી એકત્રિત કરવામાં આવેલો સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી અને ખતરનાક એટલે કે હેઝાર્ડસ વેસ્ટને તેઓ રિક્ષા મારફતે સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડે છે. સેનિટરી કચરાનો નિકાલ કરવા માટે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવામાં આવે છે. આજે ગામના તમામ લોકો તેમનો કચરો ઘરેથી જ અલગ કરીને આપે છે, જે લોકોમાં આવેલી વ્યાપક જાગૃતિનું પરિણામ છે.
ગામના લોકોના ઘરમાંથી એકત્રિત કરેલા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી સખીમંડળની મહિલાઓ સેન્દ્રિય ખાતર બનાવીને તેનું વેચાણ કરે છે. જ્યારે સૂકા કચરામાંથી પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનું તેઓ ભંગારવાળાને વેચાણ કરીને તેમાંથી પણ કમાણી કરે છે.
સેગ્રીગેશન શેડમાં લાવવામાં આવેલા ભીના કચરાને વિવિધ તબક્કામાંથી પ્રક્રિયા કરીને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તમામ તબક્કાઓ પછી તૈયાર થયેલા ખાતરને વજન કરીને બેગમાં પેક કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જૈવિક ખાતરને સખીમંડળની બહેનો ગામડાના ખેડૂતોને વેચે છે. સખીમંડળની બહેનોએ અત્યારસુધીમાં 300 કિલોગ્રામ ખાતરનું ઉત્પાદન કર્યું છે, જેને તેઓ ₹70 પ્રતિ કિલોના ભાવથી ખેડૂતોને વેચે છે. ખેડૂતોનું કહેવું છે કે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્મી કોમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી તેમની જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે અને તેમના પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે.