એપ્રિલમાં ખતરનાક રીતે વકરશે કોરોના, આખા દેશમાં દર્દીઓની સંખ્યા વધીને પહોંચી જશે 25 લાખને પાર, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો
નવી દિલ્હીઃ દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની 100 દિવસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે. જે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી, અને એપ્રિલના બીજા હાફમાં જીવલેણ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઇના રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે, 23 માર્ચ સુધીના સ્ટડી અને વલણો પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લગભગ 25 લાખ થઇ શકે છે.
28 પાનાના આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ તબક્કામાં એરિયા પ્રમાણે લૉકડાઉન અને પ્રતિબંધો લગાવવા અને માસ વેક્સિનેશનથી મહામારી સામેની આ લડાઇ લડી શકાય છે.
આર્થિક ઇન્ડિકેટર અને વ્યવસાયોને લઇને પણ એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અમૂક જગ્યાએ લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનની અસર આગામી મહિને જોવા મળી શકે છે.
એસબીઆઇના આ રિપોર્ટમાં વેક્સિનેશનને ગતિ આપવા પર જોર આપવામાં આવ્યુ છે. આમાં કહેવાયુ છે કે હાલમાં દરરોજ 34 લાખથી વધીને 40-45 લાખ લોકોને રસી આપવી જોઇએ, જેથી 45 વર્ષની ઉંમરના નાગરિકોનુ ચાર મહિનામાં વેક્સિનેશન પુરુ કરી શકાય.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં કોરોના ફરી વકરી રહ્યો છે, મહારાષ્ટ્ર, પંજાબ, કેરાલા, કર્ણાટકા, છત્તીસગઢ અને ગુજરાતમાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યાં છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે આ રાજ્યોમાં કૉવિડના નવા કેસો સામે આવવાની સંખ્યા 80.63 ટકા નોંધાઇ રહી છે.
દેશમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરાલા, અને પંજાબમાં પણ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 74.32 ટકા છે, એટલે કે 3.95 લાખ દર્દીઓ છે.