UP Election 2022: પ્રથમ તબક્કામાં લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, આ જિલ્લામાં બમ્પર મતદાન, રહ્યું સૌથી આગળ
ઉત્તર પ્રદેશમાં, પ્રથમ તબક્કા માટે, ગુરુવારે પશ્ચિમ યુપીના 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 60.17 ટકા મતદાન થયું હતું. અમુક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે, મેરઠ, બાગપત, આગ્રા સહિત કેટલીક જગ્યાએથી ઈવીએમમાં ખામીની ફરિયાદો આવી હતી, જેને સુધારવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો મતદાન મથકે પહોંચવા લાગ્યા હતા. શરૂઆતમાં ઠંડીના કારણે મતદાનની ગતિ ધીમી હતી, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં વેગ આવ્યો.છેલ્લી ચૂંટણીમાં મતદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો હતો, પરંતુ કોવિડ 19 પ્રોટોકોલને કારણે આ વખતે તે વધારીને 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 6 વાગ્યા સુધી આગ્રામાં 60.33 ટકા, અલીગઢમાં 60.49 ટકા, બાગપતમાં 61.55 ટકા, બુલંદશહેરમાં 60.52 ટકા, ગૌતમ બુદ્ધ નગરમાં 56.73 ટકા, ગાઝિયાબાદમાં 54.77 ટકા, હાઝિયાબાદમાં 60.50 ટકા મતદાન થયું હતું. મથુરામાં 63.28 ટકા, મેરઠમાં 60.91 ટકા, મુઝફ્ફરનગરમાં 65.34 ટકા અને શામલીમાં સૌથી વધુ 69.42 ટકા મતદાન નોંધાયું હતું.
સમાજવાદી પાર્ટીએ કૈરાના વિધાનસભાના કેટલાક મતદાન મથકો પર ગરીબ મતદારોને ડરાવવા અને તેમને પાછા મોકલવા અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ અને શામલીના જિલ્લા મેજિસ્ટ્રેટને ટેગ કરીને, પાર્ટીએ ટ્વીટ કર્યું, શામલી જિલ્લાના કૈરાના 8 વિધાનસભાના ગામ દુંદુખેડાના બૂથ નંબર 347, 348, 349 અને 350 પર ગરીબ મતદારોને ડરાવવામાં આવ્યા અને લાઈનોમાંથી પાછા મોકલવામાં આવ્યા. ચૂંટણી પંચે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ અને સરળ, ભયમુક્ત, ન્યાયી મતદાનની ખાતરી કરવી જોઈએ. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી બ્રહ્મદેવ રામ તિવારીએ આ વિશે જણાવ્યું હતું કે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને આ બાબતે તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ટેક્નિકલ ખામીની ફરિયાદ આવ્યા બાદ તે મશીનોને બદલવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કેટલીક જગ્યાએ વોટિંગ મશીનમાં ગેરરીતિની ફરિયાદો આવી હતી, જે થોડા સમય બાદ ઉકેલાઈ હતી.
પ્રથમ તબક્કામાં શામલી, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહેર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી જાટ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં યોજાઈ હતી. આ તબક્કામાં રાજ્ય સરકારના મંત્રી શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંહ, કપિલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નારાયણ સહિત કુલ 623 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. જેમાં 73 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમના જણાવ્યા મુજબ, કોવિડ 19ને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 2.28 કરોડ મતદાતા છે, જેમાંથી 1.24 કરોડ પુરૂષ, 1.04 કરોડ મહિલા અને 1448 ટ્રાન્સજેન્ડર મતદારો છે.
શુક્લાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 10853 મતદાન મથકો અને 26027 મતદાન સ્થળોની સ્થાપના કરવામાં આવી છે અને મતદાન પર ચાંપતી નજર રાખવા માટે 48 સામાન્ય નિરીક્ષકો, આઠ પોલીસ નિરીક્ષકો અને 19 ખર્ચ નિરીક્ષકો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2175 સેક્ટર મેજિસ્ટ્રેટ, 284 ઝોનલ મેજિસ્ટ્રેટ, 368 સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને 2718 માઈક્રો ઓબ્ઝર્વર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે પ્રથમ તબક્કામાં 58માંથી 53 બેઠકો જીતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને બે બે બેઠકો મળી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકદળના એક ઉમેદવારનો પણ વિજય થયો હતો.