Indian Tourists: માલદીવના નુકસાનથી આ દેશને થઇ રહ્યો છે ફાયદો, ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો
ભારત સાથેના તાજેતરના વિવાદ બાદ પડોશી દેશ માલદીવને પ્રવાસન મોરચે નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ બાદ માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત પછી લોકોએ માલદીવનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું અને તેના બદલે લક્ષદ્વીપ જવાની વાત કરી હતી. હાલમાં માલદીવના બહિષ્કારના અભિયાનથી શ્રીલંકાને ઘણો ફાયદો થતો જણાય છે.
જાન્યુઆરી મહિના દરમિયાન ભારતીય પ્રવાસીઓએ માલદીવને બદલે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ચાર વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે માલદીવ કરતાં વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
માલદીવના ન્યૂઝ આઉટલેટ Adhadhu અનુસાર, ગયા મહિને 2,08,253 પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે એક વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2023 કરતાં એક લાખ વધુ છે. જ્યારે માલદીવમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 1,92,385 થઈ ગઈ છે.
આ બદલાવ પાછળ ભારતીય પ્રવાસીઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, જેઓ વિવાદ બાદ માલદીવનો પ્રવાસ રદ કરીને શ્રીલંકા જઈ રહ્યા છે.
જાન્યુઆરી 2023માં માત્ર 13,759 ભારતીય પ્રવાસીઓ શ્રીલંકા ગયા હતા, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં તેની સંખ્યા અઢી ગણી વધીને 34,399 થઈ ગઈ છે.
શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારા વચ્ચે માલદીવમાં જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024 દરમિયાન 15,006 ભારતીય પ્રવાસીઓ માલદીવમાં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરી 2023માં આ સંખ્યા 17 હજારથી વધુ હતી.
પીટીઆઈના અહેવાલ મુજબ, અગાઉ માલદીવમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતીય હતા, પરંતુ વિવાદ બાદ હવે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટીને પાંચમા સ્થાને આવી ગઈ છે.
તાજેતરના વિવાદ પછી ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેનો ફાયદો શ્રીલંકાને થતો જણાય છે.