ભારતની બે યુવા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, સ્નેહે ભારતને બચાવી મેળવી અનોખી સિધ્ધી, શેફાલીએ સચિનની બરાબરી કરી.......
બ્રિસ્ટલઃ ઈંગ્લેન્ડ સામેની એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતની બે મહિલા ક્રિકેટરે ઈતિહાસ રચ્યો છે. આ પૈકી કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલી 27 વર્ષની સ્નેહ રાણાએ આઠમા ક્રમે બેટીંગમાં ઉતરીને 154 બોલમાં 13 ચોગ્ગા સાથે અણનમ 80 રન ફટકારીને ભારતની મહિલા ટીમને નિશ્ચિત લાગતી હારમાંથી ઉગારી હતી. સ્નેહ રાણા કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ ચાર કે વધુ વિકેટ તેમજ 50થી વધુ રન ફટકારનારી ભારતની સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે. અગાઉ ભારતના કોઈ પુરૂષ ક્રિકેટરે પણ આવી સિદ્ધિ હાંસલ કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ ભારતની યુવા બેટ્સમેન શેફાલી વર્માને સૌથી યુવા વયે ટેસ્ટની બંને ઈનિંગમાં 50 રનથી વધુનો સ્કોર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. વિશ્વમાં મહિલા ક્રિકેટમાં શેફાલી આ સિધ્ધી નોંધાવનારી સૌથી નાની વયની બેટર છે. પુરૂષ ક્રિકેટમાં આ રેકોર્ડ તેંડુલકરના નામે છે. તેંડુલકરે 1990માં 17 વર્ષ અને 107 દિવસની ઉંમરે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટની બંને ઈનિંગમાં 50થી વધુ રન કર્યા હતા. શેફાલીએ આ સિદ્ધિ 17 વર્ષ અને 139 દિવસની ઉંમરે નોંધાવી છે. તેણે પ્રથમ ઈનિંગમાં 96 અને બીજી ઈનિંગમાં 63 રન ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં સ્નેહ રાણાનો સાથ આપતાં દસના ક્રમની બેટ્સમેન તાન્યા ભાટિયાએ 88 બોલમાં અણનમ 44 રન કર્યા હતા. તેમની વચ્ચે નવમી વિકેટ માટે 185 બોલમાં 104 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી.
ઈંગ્લેન્ડના પહેલી ઈનિંગ્સના 396 રનના સ્કોર સામે 231 રનમાં ખખડેલી ભારતની ટીમે ફોલોઓન બાદ 199 રનમાં સાત વિકેટ ગુમાવતા હાર નિશ્ચિત લાગતી હતી. સ્નેહે શિખા પાંડે (18) સાથે 41 અને ત્યાર બાદ તાન્યા સાથે અણનણ સદીની ભાગીદારી કરતાં ભારતને ઉગાર્યું હતુ. ભારતની મહિલા ટીમની ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ ચાહકોએ સ્નેહની બેટિંગની ભારે સરાહના કરી હતી. બંનેના દેખાવથી ક્રિકેટ ચાહકો પણ ખુશ છે.