Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
MI vs RR: બટલરનો શાનદાર કેચથી લઇને પોલાર્ડના બેટ છૂટવા સુધી, જુઓ મેચની 10 બેસ્ટ તસવીરો
યુઝવેન્દ્ર ચહલ (2/26) અને નવદીપ સૈની (2/36) ની શાનદાર બોલિંગને કારણે રાજસ્થાન રોયલ્સે શનિવારે મુંબઈમાં રમાયેલી IPL 2022ની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 23 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનના 193 રનના ટાર્ગેટ સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 170 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી ઈશાન કિશન અને તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે આર અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા અને ટ્રેન્ટ બોલ્ટે એક-એક વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ પાવર પ્લેમાં બે વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (10) અને અનમોલપ્રીત સિંહ (5) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. બીજા છેડે તિલક વર્માએ ઈશાનને સપોર્ટ કર્યો હતો.
ઈશાને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ તે 43 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 54 રન બનાવીને બોલ્ટનો શિકાર બન્યો હતો. તિલક વર્મા સાથે તેની 54 બોલમાં 84 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.
તિલક વર્માએ 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 15મી ઓવર ફેંકવા આવેલા અશ્વિનના પહેલા બોલ પર વર્માએ સિક્સર ફટકારી હતી, પરંતુ બીજા બોલ પર અશ્વિને વર્માને બોલ્ડ કર્યો હતો. તે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
બાદમાં ચહલે એક જ ઓવરમાં ટિમ ડેવિડ (1) અને ડેનિયલ સેમ્સ (0)ની વિકેટ લઈને મુંબઇને મુશ્કેલીમાં મુકી દીધી હતી. મુંબઇને મેચ જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 39 રનની જરૂર હતી. પરંતુ એમ અશ્વિન (6) રન આઉટ થયો હતો. હવે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. પોલાર્ડ સ્ટ્રાઈક પર હતો, પરંતુ તે સૈનીના બોલ પર 22 રન બનાવીને આઉટ થયો હતો. અંતે મુંબઇએ 20 ઓવરમાં આઠ વિકેટે 170 રન બનાવ્યા હતા અને રાજસ્થાને આ મેચ 23 રનથી જીતી લીધી હતી.
અગાઉ રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા તેની શરૂઆત સારી રહી નહોતી. ત્રીજી ઓવરમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (1) ટિમ ડેવિડના હાથે કેચ આઉટ થયો હતો. બાદમાં દેવદત્ત પડિકલ પણ સાત રન બનાવી મિલ્સનો શિકાર બન્યો હતો.
બટલર અને કેપ્ટન સંજુ સેમસને બાજી સંભાળી હતી. બટલરે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
15મી ઓવરમાં આવેલા પોલાર્ડના બોલ પર કેપ્ટન સેમસન 21 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સંજૂ અને બટલર વચ્ચે 50 બોલમાં 82 રનની ભાગીદારી થઇ હતી.
પાંચમા નંબરે આવેલા શિમરોન હેટમાયર બટલરની સાથે મળીને આક્રમક રન બનાવ્યા હતા. બટલરે IPL 2022 સિઝનની પ્રથમ સદી 66 બોલમાં ફટકારી હતી. હેટમાયર 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો. બટલર અને તેની વચ્ચે 24 બોલમાં 53 રનની પાર્ટનરશીપ થઇ હતી.
બુમરાહની ઓવરમાં બટલર 68 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 100 રન બનાવીને બોલ્ડ થયો હતો. આર અશ્વિન પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. રાજસ્થાને 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી જસપ્રિત બુમરાહ અને ટાઇમલ મિલ્સે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે કિરોન પોલાર્ડે એક વિકેટ લીધી હતી.