રાજકોટઃ 'વિઘ્નહર્તા'ના વિસર્જનમાં દૂર્ઘટના, બે સગા ભાઈ સહિત 7 ડૂબ્યા, 5ના મોત
એક સાથે પાંચ વ્યક્તિના ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી મોત થતાં તેમના મૃતદેહોને સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેમના સ્વજનો સિવિલ હોસ્પિટલ દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. સ્વજનોની રોક્કળથી સિવિલનું પ્રાંગણનું વાતાવરણ ગમગીન બન્યું હતું.
મૃતકના નામઃ વિશાલ નિલેશભાઈ પરમાર (ઉ.વ. 19), સાગર નિલેશભાઈ પરમાર (ઉ.વ. 21), નૈમિષ અશોકભાઈ વાળા (ઉ.વ. 26), નિતિન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ. 21), રવિ( આખુ નામ હજી જાણી શકાયું નથી)
રાજકોટઃ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા 7 યુવકો શહેરના જામનગર રોડ પર આવેલા હનુમાન ધારા ડેમમાં ડૂબ્યા હતા. જેમાંથી પાંચનાં મોત થયા હતા. જ્યારે બે યુવાનોને ગામલોકોએ ડૂબતા બચાવી લીધા હતા. પાંચ મૃતકો પૈકી બે સગા ભાઈઓ હતાં. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતાં. આ કરૂણ ઘટનાને લીધે મૃતક યુવકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.