રાજકોટઃ ટ્રકે ઈકો કારને ટક્કર મારતાં જ ભભૂકી ઊઠી આગ, જાણો કેવી રીતે મૃતદેહને કાઢ્યા બહાર
સુરાપુરા દાદાના મહોત્સવમાં મીતાબેન મહેશભાઇ કલાડિયા, તેમના પતિ મહેશભાઇ, ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલાડિયા, ભાવનાબેન રાજેશભાઇ, વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઇ ઠાકરશીબાઇ કલાડિયા દેવપરામાં રહેતા રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા, તેમના પત્ની મીનાબેન, પુત્ર સાગર તથા મુકેશભાઇ ગયા હતા. કલાડિયા પરિવાર મહોત્સવ પૂરો કરી ઇકો કારમાં પરત ફરતો હતો ત્યારે કાગદડી નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારનો ચાલક ભડથું થઇ ગયો હતો, જ્યારે અન્ય સાતના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યાં હતાં.
રાજકોટની ભાગોળે થયેલા ગોઝારા અકસ્માતમાં કલાડિયા પરિવારના સાત સભ્યો અને કારચાલક મળી કુલ 8નાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં બે દંપતીનો ભોગ લેવાયો હતો, જેમાં રાજેશભાઇ કલાડિયા અને તેના પત્ની ભાવનાબેન રાજેશભાઇ તેમજ રમેશભાઇ કલાડિયા અને તેના પત્ની મીનાબેન કલાડિયાના મૃત્યુ થયા હતા. આજીવન સાથે રહેવાના એકબીજાને કોલ આપનાર બંને દંપતીએ મોતમાં પણ સાથ નિભાવતા કલાડિયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
દેવપરામાં રહેતા રમેશભાઇ કલાડિયાએ અંદાજે આઠેક વાગ્યે તેના પુત્રને ફોન કરીને કહ્યું હતું કે, ‘અમે થોડીવારમાં ઘરે પહોંચી જશું’. પરિવારજનોના આવવાની રાહ જોઇ રહેલા પુત્રને દોઢેક કલાક પછી ગોઝારા અકસ્માતની જાણ થઇ હતી. પિતા સહિતના પરિવારજનોના મૃતદેહ જોઇ યુવકે કરેલા આક્રંદથી વાતાવરણ ગમગીન થઇ ગયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલી કુવાડવા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માત રાત્રે નવેક વાગ્યે થયો હતો અને કાર તથા ટ્રક સળગી ઉઠ્યા હતા. કારચાલક સળગવા લાગ્યો હતો, પરંતુ કારમાં એવી રીતે ફસાયો હતો કે બહાર નીકળી શકતો નહોતો. ચાલક એક કલાક સુધી સળગતો રહ્યો હતો, પરંતુ તેને બહાર કાઢવાની કોઇ સૂઝ લોકોને પડતી નહોતી. એકાદ કલાક પછી ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી અને બાદમાં ચાલકનું ભડથું બહાર કાઢ્યું હતું.
ઘટનાને પગલે રાજકોટથી ફાયરબ્રિગેડ સ્ટાફ અને કુવાડવા પોલીસનો કાફલો દોડી ગયો હતો. સ્થળ પર એકઠા થયેલા લોકોએ કારમાંથી પાંચ મૃતદેહ તથા ત્રણ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ડ્રાઇવર સળગતો હોય તેને બહાર કાઢવાની હિંમત કોઇ કરી શક્યું નહોતું. 108ના સ્ટાફે ત્રણને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાંથી બેના સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે મહેશભાઇ સોનીને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજકોટ: રાજકોટ પાસે ટંકારા-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. કારમાં બેઠેલા રાજકોટના કલાડિયા પરિવારના પાંચ સભ્યો અને ગ્વાલિયરથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત આઠનાં મોત નિપજ્યા હતા.