જેતપુરઃ હાર્દિક પર હુમલાનું કાવતરૂં તેના ખાસ માણસે જ ઘડેલું, પોલીસનો દાવો, આ ‘ખાસ માણસ’ કોણ? જાણો
જો કે ગામના પાદરમાં કાર પર ઊભા રહીને હાર્દિકે હુંકાર કર્યો હતો કે, જે રાજકીય ગુંડાઓએ મારા પર હુમલો કરાવ્યો છે તેને જડબાતોડ જવાબ મળ્યો જ છે અને મળશે જ. મેં અહીં કોઇની પણ પાસેથી 100 રૂપિયા પણ લીધા નથી. બાદમાં તેનો કાફલો સરદારની પ્રતિમાને હારતોરા કરીને ભેંસાણ જવા માટે રવાના થઇ ગયો હતો.
દેવકી ગાલોળ ગામે પાંચ હજાર લોકોની મેદની હાર્દિકને સાંભળવા માટે એકઠી થઇ હતી પરંતુ પથ્થરમારા અને ઘર્ષણ થતાં હાર્દિકે સભાને સંબોધવાનું માંડી વાળ્યું હતું. સમર્થકો સાથે હાર્દિક સીધો જ રામજી મંદિર પહોંચી ગયો હતો અને ત્યાં દર્શન કરી ભોજલરામ બાપાની આરતીમાં ભાગ લીધો હતો.
પોલીસે જણાવ્યું કે કાવતરૂં પાસના આગેવાન લલિત વસોયાના માર્ગદર્શનમાં ઘડાયું હતું. હાર્દિકના કાફલામાં દોઢથી બે હજાર લોકો હોવાનું અને એલપીએસ ગ્રૂપના 300 જેટલા લોકો આવી ચડ્યા હોવાનું સાક્ષીઓનું કહેવું છે. હાર્દિક દેવકી ગાલોળ ગામે ભોજલરામ બાપાના દર્શને આવ્યો હતો.
પોલીસે તપાસ કરીને મોડી રાત્રે જાહેર કર્યું હતું કે હાર્દિક પર થયેલા હુમલા પાછળ પાસના જ કન્વીનર લલિત વસોયાનું ભેજું છે. જેતપુરમાં હાર્દિક પર થયેલા હુમલામાં પોલીસે મોડી સાંજે પાસના 29 શખસ સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી મોડી રાત્રે 15ની અટકાયત કરી હતી, જ્યારે 14 ભાગી છૂટવામાં સફળ થયા હતા.
હાર્દિકના કાફલા પર પથ્થરમારો થતાં હાર્દિક સાથે રહેલા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને ગાડીમાંથી ધોકા, પાઇપ ધારિયા જેવા હથિયારો કાઢી હુમલો કરતાં બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેના કારણે થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બનાવ સ્થળે તાબડતોબ પોલીસ પહોંચી ગઇ હતી અને ટોળાને કાબૂમાં લઈ લીધું હતું.
હાર્દિકે કહ્યું હતું કે, ભોજલરામ બાપાના દર્શન કરવા માટે 144ની કલમ ન લાગે. કલમ લાગુ હોવા છતાં આટલા લોકો હાજર રહ્યા તે બદલ હાર્દિકે મેદનીનો આભાર માન્યો હતો. રાજકોટ કલેક્ટર દ્વારા 144ની કલમ લગાડવામાં આવી હોવા છતાં પાંચ હજાર કરતાં વધારે લોકો ઉમટી પડ્યાં હતાં.
રાજકોટ: સોમવારે ભોજલરામ બાપાના દર્શને જવા નીકળેલા હાર્દિકની કારનો કાફલો જેતપુર પહોંચ્યો ત્યારે જેતપુરના સરદાર ચોકમાં તોફાનીઓએ હાર્દિકની કાર અને કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ચોંકાવનારો દાવો કર્યો છે કે હાર્દિકના નજીકના સાથી લલિત વસોયાએ જ હુમલાનું કાવતરૂં ઘડ્યું હતું.