ગોંડલઃ ગોંડલી નદીમાં પ્રમુખ સ્વામીના અસ્થિનું કરાયું વિસર્જન, મહંત સ્વામી રહ્યા ઉપસ્થિત
ગોંડલઃ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અસ્થિનું ગોંડલની ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામિ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અક્ષર મંદિર ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્માણ પામેલ અક્ષરઘાટ પર નિમિતે સભાનું આયોજન થયુ હતું. અસ્થિ કળશનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો દ્વારા પુજન કરાયું હતું. મહાપ્રસાદિક ગોંડલી નદીમાં સૌએ આરતી અને દીપવિસર્જન કરીને સભાની પૂર્ણાહુતિ કરી હતી.
નોંધનીય છે કે ગઇકાલે મહંત સ્વામી મહારાજ ગોંડલ આવી પહોંચ્યા હતા. તેઓ 16 ઓક્ટોબર સુધી રોકાણ કરશે તે દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનો સૌને લાભ મળશે. શુક્રવારના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનો પૂજનવિધિ સમારોહ યોજાયો હતો. ગઈકાલે સંતો પાલખીયાત્રા કરીને અસ્થિકળશને લઈ ઘાટ પર પધાર્યા હતા. મહંતસ્વામી મહારાજ અને સર્વ સદગુરુ સંતોએ મહાપૂજા કરી હતી.