રાજકોટના બસ સ્ટેન્ડમાં સર્જાયા અનોખા દ્રશ્યો, મહિલા કંડક્ટરોએ ચાદરની આડશમાં કરાવી પ્રસૂતિ
રાજકોટ: ગઈ કાલે રાતે રાજકોટના એસ.ટી. બસ સ્ટેશનમાં કંઇક અનોખો નજારો જોવા મળ્યો હતો. રાતે 11 વાગ્યાની આસપાસ બસસ્ટેન્ડની કેન્ટિન પાસે એક પરપ્રાંતીય મહિલા પ્રસૂતીની પીડાથી કણસતી હતી અને પછી બેભાન થઈ ગઈ હતી. જોકે, આ વાત ધ્યાને આવતાં મહિલા કંડક્ટરો તેમની વહારે દોડી આવી હતી અને તેમણે ચાદરની આડશમાં પ્રસૂતિ કરાવી હતી. મહિલાને પુત્રનો જન્મ થતાં સર્વત્ર ખૂશી વ્યાપી ગઈ હતી.
મહિલાની સફળ પ્રસુતિ બાદ તેને અને નવજાત બાળકને જનાના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાના પરિવારજનો મળ્યા બાદ મહિલા કંડકટરો પરત આવી ગઈ હતી.
ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ફરજ પર હાજર પાંચ મહિલા કંડકટરો તેમની મદદે આવ્યા હતા. કારણ કે, મહિલાને હોસ્પિટલે ખસેડી શકાય એટલો સમય નહોતો. આથી પ્લેટફોર્મ પર ડિલેવરી કરાવવાનો નિર્ણય લેવાયો હતો. લગભગ પંદરેક મિનિટની મહેનત પછી પુત્રનો જન્મ થયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હોવાની માહિતી મુસાફરો એટીઆઈ મુકેશસિંહ જાડેજાને આપી હતી. જેથી તેઓ કેન્ટિન પાસે દોડી આવ્યા હતા અને આ પછી તેમણે મહિલા કંડક્ટરોને બોલાવી હતી. જેથી તેમણે ચાદરની આડશ ઊભી કરીને મહિલાને પ્રસૂતિ કરાવી હતી. તેમની મદદે 108ના કર્મચારીઓ પણ જોડાયા હતા.