રાજકોટઃ ભાજપના નેતાએ તંત્રની ઐસીતૈસી કરીને બે દિવસ પહેલાં તોડાયેલો ઓટલો પાછો બનાવી દીધો ? જાણો વિગત
સોનારાએ જીભાજોડી કરનારા કારીયાને તમાચો મારી દીધો હતો. આ મામલે ગુસ્સે ભરાયેલા કારીયાએ ઉપર સુધી રજૂઆત કરતાં રાજ્યના પોલીસ વડાએ પીઆઇ સોનારાની આઇબીમાં બદલી કરી નાંખી છે. આ બદલીથી ગુસ્સે ભરાયેલા આહિર સમાજે સોનારાની બદલી રોકવા અલ્ટિમેટમ આપ્યું છે.
રાજકોટ: રાજકોટમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાએ બે દિવસ પહેલાં ડિમોલિશન દરમિયાન પોતાને ગાળો ભાંડનારા ભાજપના અગ્રણી દિનેશ કારીયાને તમાચો ઠોકી દઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. કારીયાએ પોતાની દુકાન બહાર ઓટલો તાણી બાંધ્યો હતો. તેને તોડવાના મામલે મગજમારી થઈ હતી.
બીજી તરફ સોનારાની બદલીથી પોરસાઈ ગયેલા ભાજપના નેતા દિનેશ કારીયાએ ફરી દુકાન પાસે ઓટલો કરી લીધો હોવાની રજૂઆત આહિર સમાજે કરી છે. આહિર સમાજે આ અંગે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે અને કાયદાનું પાસન કરાવીને ગેરકાયદેસર બનાવાયેલો ઓટલો તોડવા વિનંતી કરી છે.
સોનારાની બદલી રોકવા માટે તેમનો આહિર સમાજ મેદાનમાં આવી ગયો છે. આ માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ છે. બુધવારે આહિર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને મવડી પાસે દેવાયત બોદરની પ્રતિમા પાસે બેઠક યોજી હતી.