રાજકોટઃ ભાજપના નેતાને તમાચો ઠોકનારા PI સોનારાની બદલી રોકવા કોણે આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ ?
રાજકોટ: રાજકોટમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાએ બે દિવસ પહેલાં ડિમોલિશન દરમિયાન પોતાનો ગાળો ભાંડનારા ભાજપના અગ્રણી દિનેશ કારીયાને તમાચો ઠોકી દઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે આ કડકાઈ સોનારાને ભારે પડી અને પોલીસ વડાએ પીઆઇની આઇબીમાં બદલી કરી નાંખી.
આ ઉપરાંત ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા અને આહિર એકતા મંચ ગુજરાતના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સામાન્ય લોકો જોડાયા હતા. આ બેઠક પીઆઇ સોનારાની બદલી તથા છેલ્લા 2 મહિનાથી આહિર સમાજના અન્ય પોલીસ કર્મચારીઓને થતા અન્યાય અને એકતરફી બદલીઓના વિરોધમાં રાખવામાં આવી હતી.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને સોનારાની બદલી રોકવા માટે તેમનો આહિર સમાજ મેદાનમાં આવી ગયો છે. આ માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ છે. બુધવારે આહિર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને મવડી પાસે દેવાયત બોદરની પ્રતિમા પાસે બેઠક યોજી હતી.
આ બેઠકમાં 24 કલાકમાં સોનારાની બદલી રોકવા રાજકોટના પોલીસ કમિશ્નરને અલ્ટિમેટમ અપાયું છે. દેવાયત બોદરની પ્રતિમા પાસે યોજાયેલી બેઠકમાં સમસ્ત આહિર સમાજ રાજકોટ, આહિર વીર સપૂત દેવાયતબાપા બોદર સેવા સમિતિ, અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રતિનિધી હાજર રહ્યા હતા.