રાજકોટઃ યુવકે કેમ કરી પોતાના જ માતા-પિતાની હત્યા? કારણ જાણીને ચોંકી ઉઠશો
જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ગુરુવારે ઘરે પહોંચ્યા બાદ જયદીપે તેને ત્યાં કામ કરતાં ગોપાલને બહારથી તાળું મારી દેવાનું કહેતા ગોપાલે રૂમને તાળું મારી દીધું હતું. તાળું લાગ્યા બાદ જયદીપે બારીવાટે ગોપાલ પાસેથી ચાવી લઇ તેને રવાના કરી દીધો હતો. ત્યારબાદ નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
પોલીસને પુત્ર જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. જુવારના દાણા સહિતની પડીકી પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી છે. જયદીપ રાઠોડ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા.
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં જયદીપ રાઠોડ નામનો યુવાન પોતાના માતા પિતા રમેશભાઈ અને મંજુબેન સાથે રહેતો હતો. પરંતુ જયદીપે તેના જ ઘરમાં તેના માતા-પિતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા નીપજાવી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હતો. માતા પિતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.