રાજકોટ મનપાએ ડો.આંબેડકરની બન્ને મૂર્તિ પરત કરી, દલિત સંગઠનો સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
રાજકોટ: રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ મનપા દ્વારા હટાવવામાં આવતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ હતી. રાજનગર ચોક અને આસ્થા ચોકડી પાસેના સર્કલમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ મંજુરી વગર મુકી દેવામાં આવી હોઇ મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસને સાથે રાખી આ બંને પ્રતિમા હટાવી લીધી હતી. આ કારણે લોકોના ટોળા રોડ પર આવી ગયા હતાં અને ભારે રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યારબાદ મનપા કમિશનર અને દલિત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને મૂર્તિ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મોટા મવા, કાલાવડ રોડ, ૧૫૦ રીંગ રોડ, આસ્થા ચોકડીએ ચકકાજામ કરી ટાયરો સળગાવાયા હતાં. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા દલિત આગેવાનોએ બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે બંને પ્રતિમા જ્યાં હતી ત્યાં જ મુકી દેવી અને બાદમાં પાંચ દિવસ પછી દલિત સમાજના લોકો જાતે જ આ પ્રતિમાઓને હટાવી લેશે અને બેમાંથી કોઈ એક સ્થળ પસંદ કરી સત્તાવાર રીતે બાબા સાહેબની પ્રતિમા વિધીવત મુકવામાં આવશે.
ભવિષ્યમાં મંજૂરી વિના કોઇપણ મૂર્તિ મુકવામાં આવશે નહીં. અત્યારે બંને મુર્તિ લઇ જવાની છૂટ આપવામાં આવે છે પરંતુ પાંચ દિવસ પછી બેમાંથી કોઇપણ એક ચોક પસંદ કરી મૂર્તિ કાયદેસર રીતે વિધીવત મુકવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નરશ્રી બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.