ક્રિકેટર જાડેજાનાં પત્નિ રીવાબાને મારનારો કોન્સ્ટેબલ ભાગીને ક્યાં પહોંચ્યો? કર્યું કેવું નાટક? જાણો વિગત
રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રીવાબા પોતાની બીએમડબલ્યુ કાર લઈને જતાં હતાં ત્યારે બહાર આવી રહેલા કોન્સ્ટેબલ સંજય આહિરના બાઈક સાથે તેમની કાર અથડાઈ હતી. વાહન અથડાવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કોન્સટેબલ સંજય આહિરે રીવાબાના વાળ ખેંચીને માર માર્યો હતો.
જામનગર: જામનગરમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે ત્યારે આ કોન્સ્ટેબલ સામે જામનગરના પોલીસ વડાએ આકરાં પગલાં ભરવાની અને તેને સસ્પેન્ડ કરવાની ખાતરી આપી છે.
બીજી તરફ રીવાબા પર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા બનાવ બાદ ભાગીને જી.જી.હોસ્પિટલમાં ગયો હતો. તેણે અકસ્માતમાં પોતાને ઈજા થઈ છે તેવું નાટક કરીને પોતાને દાખલ કરવા કહ્યું હતું. જો કે તેને કોઇ ઇજા ન હોવાથી ડોક્ટરે તેને દાખલ કરવાની ના પાડતાં તે હોસ્પિટલમાંથી પણ રફુચકકર થઇ ગયો હતો.
સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય ખીમાભાઇ કરંગીયા પોલીસ હેડ કર્વાટરમાંથી બાઇક પર નીકળતા કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. રીવાબા અને કરંગીયા વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા કરંગીયાએ રીવાબાના વાળ ખેંચી જાહેરમાં માર મારી હુમલો કર્યો હતો.
આ બનાવના પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતાં. હુમલો કરી પોલીસ કોન્સ્ટેબલ સંજય ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસના ધાડાં ઉતરી પડયાં હતાં. બનાવ અંગે રીવાબાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.