રાજકોટમાં ભાજપના નેતા સામે ભાજપના જ હોદ્દેદારો બેઠા ઉપવાસ પર, જાણો વિગત
આ હરકત સામે રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને સરપંચ રોહિત ચાવડા ઉપવાસ પર બેઠા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જિલ્લા ભાજપના મહામંત્રીના ઉપવાસના કારણે મામલો નાટ્યાત્મક બની ગયો છે. ગ્રામજનો પણ આ ઉપવાસમાં જોડાયા છે.
આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ઇશ્વરીયા ગામ જશે. કોંગ્રેસના બંને નેતા ઉપવાસ પર બેઠેલા લોકોની મુલાકાત લેશે અને તેમને પોતાનો ટેકો જાહેર કરશે.
રાજકોટઃ રાજકોટના ઈશ્વરીયા ગામની ગૌચર જમીનના વિવાદમાં ભાજપના નેતાઓએ પોતાની સરકાર સામે જ ઉપવાસ શરૂ કરતાં ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા પોતાના ટ્રસ્ટના નામે ગૌચરની જમીન કરી દેવાતાં વિવાદ ભડક્યો છે.
ગ્રામજનો કલેક્ટરની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. કલેક્ટરે ગૌચર જમીન ખાનગી લોકોને ફાળવી દીધી હોવાથી ગ્રામજનોમાં રોષ છે અને ઈશ્વરીયા ગામનાં લોકો આમરણાંત ઉપવાસમાં જોડાયાં છે. ગૌચર જમીન બચાવવા માટે ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે.