કોલંબોઃ શ્રીલંકાની ટીમ ચાલુ મહિનાના અંતે પાકિસ્તાનના પ્રવાસે જવાની છે. જ્યાં ત્રણ ટી20 અને ત્રણ વન ડે મુકાબલા રમવાના છે પરંતુ શ્રીલંકા ક્રિકેટ સોમવારે દિમુથ કરૂણરત્ન, લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુસ સહિત કુલ 10 મુખ્ય ખેલાડીઓની વિનંતીના પગલે તેમને આ સીરિઝમાં ન રમવાની મંજૂરી આપી છે. ખેલાડીઓએ ત્યાં સલામતીનું કારણ જણાવી રમવા જવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું.


નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડી સિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, લસિથ મલિંગા, એન્જેલો મેથ્યૂઝ, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ, દિમુથ કરૂણારત્ને આ 10 ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય.

શ્રીલંકા ક્રિકેટ તરફથી જણાવવામાં આવ્યું કે ખેલાડીઓ સાથે બેઠક કર્યા બાદ તેમને પાકિસ્તાનમાં સુરક્ષા પ્રબંધની જાણકારી આપવામાં આવી હતી. તેમ છતાં 10 ખેલાડીઓ ત્યાં જઈને રમવા તૈયાર નહોતા. જેને જોતાં હવે તેમને પ્રવાસમાંથી બહાર રાખવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં જઈ ક્રિકેટ ચોક્કસ રમશે પરંતુ તેમના 10 મુખ્ય ખેલાડીઓ નહીં રમે.


વર્ષ 2009માં પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ટીમ પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલામાં કોઈ ખેલાડીનો જીવ નહોતો ગયો પરંતુ તે બાદ દરેક ટીમોએ પાકિસ્તાનમાં નહીં રમવા જવાનો નિર્ણય લીધો હતો.