કોલંબોઃ ભારતે જીતેલો આઈસીસી 2011 વર્લ્ડકપ ફિક્સ હતો તેવો આરોપ લાગ્યા બાદ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અરવિંદ ડિ સિલ્વાની પોલીસે છ કલાક પૂછપરછ કરી હતી. પૂર્વ ખેલ મંત્રી મહિંદાનંદ અલુથગામગેની પૂછપરછ બાદ ખબર પડી કે 2011 વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતી અને તેમાં કેટલીક પાર્ટીનો હાથ હતો.


પોલીસ અધિકારી જગત ફોંસેકાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે અમે 2011 વર્લ્ડકપ મેચ ફિક્સિંગના આરોપની તપાસ શરૂ કરી છે. આજે અરવિંદ ડી સિલ્વા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે અમે 2011 વર્લ્ડકપના ખેલાડી ઉપલ થરંગાને પૂછપરછ માટે બોલાવવાનો ફેંસલો લીધો છે. ફાઇનલમાં થરંગાએ ઓપનિંગમાં આવીને 20 બોલ પર માત્ર બે રન બનાવ્યા હતા.

2011ની વર્લ્ડકપ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હાર આપી હતી. ટૉસ જીતીને શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જયવર્ધનેની સદીના સહારે શ્રીલંકાએ 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે ગંભીરના 98 અને ધોનીના અણનમ 91 રન વડે બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો.

ડી સિલ્વા શ્રીલંકાએ 1996નો વર્લ્ડકપ જીત્યો તેમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે શ્રીલંકા તરફથી 308 વન ડેમાં 11 સદી અને 64 અડધી સદી વડે 9284 રન બનાવ્યા છે. જ્યારે 93 ટેસ્ટમાં 20 સદી અને 22 અડધી સદી વડે 6361 રન બનાવ્યા છે.