કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલની તકોને મોટો ઝટકો લાગ્યો હતો. યજમાન શહેર ગ્લાસગોએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ, હૉકી, બેડમિન્ટન, કુસ્તી અને શૂટિંગ જેવી મુખ્ય રમતોને પડતી મૂકવામાં આવી છે. ગ્લાસગોએ 2026 માં યોજાનારી રમતો માટે બજેટ-ફ્રેંડલી રમતો પસંદ કરી અને શોર્ટલિસ્ટ કરી છે. બજેટને મર્યાદિત કરવા અને લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા માટે ટેબલ ટેનિસ, સ્ક્વોશ અને ટ્રાયથ્લોનને પણ પડતી મૂકવામાં આવી છે. ગ્લાસગોમાં માત્ર ચાર સ્થળો જ સમગ્ર ગેમ્સનું આયોજન કરશે. ગેમ્સમાં ઈવેન્ટ્સની કુલ સંખ્યા 2022ની બર્મિંગહામ આવૃત્તિ કરતાં નવ ઓછી હશે.


ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં યોજાવાની છે


કોમનવેલ્થ ગેમ્સની 23મી સીઝન 23 જૂલાઈ 2026થી શરૂ થશે અને 2 ઓગસ્ટ સુધી ચાલશે. 2014માં ગ્લાસગોમાં જ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 વર્ષ પછી યજમાન તરીકે ગ્લાસગોની વાપસી ઘણી સમસ્યાઓ લઈને આવી છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ), સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાઇકલિંગ અને પેરા ટ્રેક સાઇકલિંગ, નેટબોલ, વેઇટલિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, બોલ્સ, પેરા બાઉલ્સ સામેલ છે. તેમાં 3x3 બાસ્કેટબોલ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલનો સમાવેશ થશે. આ ગેમ્સ ચાર સ્થળો પર યોજાશે - સ્કોટસ્ટોન સ્ટેડિયમ, ટોલક્રોસ ઇન્ટરનેશનલ સ્વિમિંગ સેન્ટર, અમિરેટ્સ એરેના સામેલ છે. જેમાં સર ક્રિસ હોય વેલોડ્રોમ અને સ્કોટિશ ઇવેન્ટ્સ કેમ્પસ (SEC). એથ્લેટ્સ અને સપોર્ટ સ્ટાફને હોટલમાં રાખવામાં આવશે.


ભારતની મેડલની સંભાવનાઓને આંચકો


આ રોસ્ટર ભારતની મેડલ સંભાવનાઓ માટે મોટો ફટકો છે કારણ કે છેલ્લી આવૃત્તિમાં દેશના મોટાભાગના મેડલ રદ્દ કરવામાં આવેલી ગેમ્સમાંથી જ આવ્યા હતા. ચાર વર્ષ અગાઉ લોજિસ્ટિક્સના કારણે બર્મિંગહામ પ્રોગ્રામમાંથી બહાર થયા પછી શૂટિંગ ક્યારેય પાછું આવવાની અપેક્ષા નહોતી. ગ્લાસગો કાર્યક્રમની જાહેરાત કરતા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને કહ્યું હતું કે 'ગ્લાસગો 2026 એ 10-સ્પોર્ટ ઇવેન્ટ હશે જે આઠ-માઇલ કોરિડોરની અંદર ચાર સ્થળો પર કેન્દ્રિત હશે.' આ રોસ્ટરમાંથી શૂટિંગને બાકાત રાખવામાં આવ્યું છે કારણ કે બેરી બુડન સેન્ટર ગ્લાસગોથી 100 કિમીથી વધુ દૂર છે.


ગ્લાસગો ગ્રીન અને સ્કોટિશ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ સેન્ટર, જેણે 2014માં હૉકી અને કુસ્તીનું આયોજન કર્યું હતું, તેને સ્થળોની યાદીમાંથી હટાવામાં આવ્યું છે, જ્યારે સર ક્રિસ હોય વેલોડ્રોમ, જ્યાં તે વર્ષે બેડમિન્ટન યોજવામાં આવી હતી જેને પણ સ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ વખતે માત્ર સાયકલિંગ માટે ઉપયોગ કરવામાં આવશે.


હૉકીને ગેમ્સમાંથી બાકાત રાખવાથી ભારત માટે મોટો ફટકો પડશે. પુરૂષોની ટીમે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે મહિલાઓ પણ ચમકી છે અને 2002ની ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા છે. બેડમિન્ટનમાં ભારતે પ્રભાવશાળી 31 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, આઠ સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.


2022માં આ ગેમ્સમાં ક્રિકેટ ફરી શરૂ થયા બાદ ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. પેરા-એથ્લેટ્સ 2002 માન્ચેસ્ટર એડિશનથી ગેમ્સનો એક ભાગ છે અને 2026ની આવૃત્તિમાં પણ રહેશે.