આ લિસ્ટમાં 19 ભારતીય અનકેપ્ડ (જે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી) અને 24 નવા ખેલાડી છે. ભારતીય ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા સૌથી મોંઘો છે. તેણે પોતાની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રુપિયા રાખી છે. એટલે કે તેની ઉપર બોલીની શરુઆત 1.50 કરોડ રુપિયાથી શરુ થશે. ગત બે સિઝનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ 1 કરોડ રુપિયા છે. આઈપીએલની 2020ની હરાજી નાના સ્તરની છે. આ વખતે ટીમો પાસે ફક્ત 73 ખેલાડી માટે જગ્યા છે.
શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં કેસરિક વિલિયમ્સ, મુશ્ફિકુર રહીમ અને એડમ ઝમ્પા જેવા નામ છે. જાણકારોના મતે ગ્લેન મેક્સવેલને લઈને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થઈ શકે છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા છે. જોકે તેની આક્રમક બેટિંગ, ચુસ્ત ફિલ્ડિંગ અને ઉપયોગી સ્પિન બોલિંગના કારણે તેના પર ટીમો મોટો દાવ લગાવી શકે છે. ઇયોન મોર્ગન અને પેટ કમિન્સ ઉપર પણ મોટી બોલી લાગી શકે છે.
ભારતના અનકેપ્ડ ખેલાડીઓની વાત કરવામાં આવે તો અંડર-19 પ્લેયર યશસ્વી જાયસ્વાલ, વિરાટ સિંહ માટે મોટી બોલી લાગી શકે છે. આ સિવાય તામિલનાડુના સ્પિનર સાઇ શંકર અને ફાસ્ટ બોલર જી પેરિયાસ્વામીને લઈને પણ ઉત્સાહ છે.
હરાજી દરમિયાન સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ખેલાડી આવશે અને આ પછી અનકેપ્ડ ખેલાડીઓનો વારો આવશે. જાણકારી પ્રમાણે હરાજીની પ્રક્રિયા સવારે 10 કલાકેથી શરુ થશે. જોકે રિપોર્ટ છે કે પ્રાઇમ ટાઇમને ટાર્ગેટ કરવા માટે બીસીસીઆઈ અને બ્રોડકાસ્ટર વચ્ચે વાતચીત ચાલી રહી છે.