નવી દિલ્હી:  ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટી -20 મેચમાં કાંગારૂ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચે તોફાની બેટિંગ કરતા માત્ર 55 બોલમાં 79 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન ફિંચે 5 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

ફિંચ ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સિક્સ મારનાર પહેલો ખેલાડી બની ગયો છે. આરોન ફિંચ ટી20 કિક્રેટમાં સિક્સની સેન્ચુરી ફટકારનાર છઠ્ઠે બેટ્સેમન છે. સાથે ફિંચ ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટમાં સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. ફિંચે આ મામલે ડેવિડ વોર્નરને પાછળ છોડ્યો છે.

ફિંચે 70 મેચમાં અત્યાર સુધી 2,310 રન બનાવી લીધા છે. જેમાં બે સદી અને 14 અડધી સદી સામેલ છે. જ્યારે ડેવિડ વોર્નરે 81 ટી20 મેચમાં 2,265 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ સીરિઝને 2-2થી બરાબર કરી દીધી છે.