નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 પુરો થઇ ગયો છે, પણ વર્લ્ડકપમાં ખાસ ચર્ચામાં ડિ વિલિયર્સનું નામ રહ્યુ. સાઉથ આફ્રિકા લીગ સ્ટેજમાંથી જ બહાર નીકળી ગયા બાદ ફેન્સની માંગ હતી કે, ડિવિલિયર્સને ફરીથી ટીમમાં સામે કરવો જોઇતો હતો. આખા વર્લ્ડકપ દરમિયાન ડિ વિલિયર્સ વિવાદોમાં રહ્યો. જોકે હવે તેને એક આતશબાજી વાળી ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધી છે. આનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. ડિવિલિયર્સે તો સાઉથ આફ્રિકા ટીમમાંથી સન્યાસ લઇ લીધો છે, પણ હાલમાં ટી20 બ્લાસ્ટ 2019 ટૂર્નામેન્ટમાં બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેને ત્રેવડ દેખાયા હતા. ડિવિલિયર્સ એવી તાબડતોડ બેટિંગ કરી કે મિડિલસેક્સ તરફથી રમતા 43 બૉલમાં 88 રન ફટકારી દીધા હતા. ઇનિંગમાં તેને 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. નોંધનીય છે કે, મેચમાં એસેક્સની ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા, જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મિડિલસેક્સ ટીમે 16 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યને હાંસિલ કરી દીધુ હતુ અને મેચ જીતી લીધી હતી.