નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે બીસીસીઆઈને જંગી નુકસાન થયું છે. મહામારીના કારણે બીસીસીઆઈને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની જર્સીમાંથી નાઇકીનો લોગો હટી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાઇકી બીસીસીઆઈની સાથે પોતાનો કરાર આગળ નહીં વધારે. નાઈકીનો વર્તમાન કરાર સપ્ટેમ્બરમાં ખતમ થવા જઈ રહ્યો છે.

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, નાઈકીને લોકડાઉનના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નાઈકીએ ચાર વર્ષના કરાર માટે બીસીસીઆઈને 370 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 85 લાખ રૂપિયા પ્રતિ મેચ ફી હતી. આ ઉપરાંત 12 થી 15 કરોડ રૂપિયા રોયલ્ટી આપવામાં આવી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં ટીમ ઈન્ડિયાના 12 ઈન્ટરનેશનલ મુકાબલા રદ્દ થયા છે. જેના કારણે નાઇકી પોતાનો કરાર આગળ વધારવાની અપીલ કરી રહ્યું છે. નાઈકીનો વર્તમાન કરાર સપ્ટેમ્બરમાં પૂરો થશે પરંતુ કંપની ઈચ્છે છે કે બીસીસીઆઈ રદ્દ થયેલી મેચોને ધ્યાનમાં રાખીને કરાર આગળ લંબાવે. આ શરત જો નહીં માનવામાં આવે તો નાઈકી બીસીસીઆઈ સાથે આગળ કરાર નહીં કરે.

નાઈકી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને શૂઝ, જર્સી અને અન્ય જરૂરી સામાન ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે. નાઇકી અને બીસીસીઆઈ વચ્ચે પ્રથમ વખત 2006માં કરાર થયો હતો. 14 વર્ષથી નાઇકી અને બીસીસીઆઈ વચ્ચે કરાર જળવાઈ રહ્યો છે.

નાઈકી સાથે કરાર ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયાની જર્સીમાં બદલાવ જોવા મળી શકે છે. નાઈકી સાથે કરાર તૂટવાના કારણે બીસીસીઆઈની મુશ્કેલી વધી શકે છે. બીસીસીઆઈ પર પહેલા જ ચીન સાથે સંબંધ વણસવાના કારણે વીવો સાથેનો કરાર રદ્દ કરવાનું દબાણ છે.