નવી દિલ્હીઃ લસિથ મલિંગાએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ શ્રીલંકાના વધુ એક ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. શ્રીલંકા તરફથી વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમાં નંબરે રહેલા નુવાન કુલસેકરાએ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કુલેસકરાએ 2003માં ઈંગ્લેન્ડ સામે વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 2017માં શ્રીલંકા તરફથી અંતિમ વન ડે રમ્યો હતો.



કુલસેકરાએ 2011 વર્લ્ડકપ ફાઇનલમાં ભારત સામે અંતિમ ઓવર નાંખી હતી. તેની આ ઓવરમાં ટીમ ઈન્ડિયાના તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સ ફટકારીને ભારતને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતુ.



નુવાન કુલસેકરાએ 21 ટેસ્ટ, 184 વન ડે અને 58 ટી20માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે અનુક્રમે 48, 199 અને 66 વિકેટ ઝડપી છે. ટી20માં સર્વાધિક વિકેટ લેવાના મામલે તે મલિંગા સાથે સંયુક્ત રીતે બીજો શ્રીલંકન બોલર છે.  આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે આશરે 2000 ઈન્ટરનેશનલ રન પણ બનાવ્યા છે.