નવી દિલ્હીઃ આમ્રપાલી ગ્રુપ સાથે જોડાયેલ દરેક કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. 23 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે 42 હજાર ઘર ખરીદદારોને મોટી રાહત આપતા આમ્રપાલી ગ્રુપનું રેરા રજિસ્ટ્રેશન રદ્દ કરવાનો આદેશ આપ્યો. સાથે જ કોર્ટે કહ્યું કે, નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ (NBCC) આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ્સને પૂરા કરશે.


આ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2018માં બે ઓડિટર્સની નિમણૂક કરી હતી. જેનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદદારોનાં નાણાં ઇન્ડિયન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની કંપનીઓમાં લગાવ્યા છે. આ કંપનીઓ ધોની અને તેની પત્ની સાક્ષી બંને મળીને ચલાવે છે.

ઑડિટ રિપોર્ટથી ધોની અને તેની પત્નીની કંપનીઓ નિશાને છે. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે હૉમબાયર્સનાં જે પૈસા ગેરકાયદેસર રીતે ધોની અને સાક્ષીની કંપનીને મકોલવામાં આવ્યા છે, તેને પરત લેવામાં આવવા જોઇએ. કૉર્ટનું સ્પષ્ટ કહેવું છે કે બંને વચ્ચે જે કરાર થયા છે તે કાયદાકીય રીતે યોગ્ય નથી.



સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે આમ્રપાલી ગ્રુપની કંપનીઓ દ્વારા રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 2009થી 2015ની વચ્ચે 42.22 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આમાંથી 6.52 કરોડ રૂપિયા આમ્રપાલી સૈફાયર ડેવલપર્સ લિમિટેડે ચુકવ્યા. રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં એમએસ ધોનીનો મેજોરિટી સ્ટૉક છે, જ્યારે ધોનીની પત્ની સાક્ષી આમ્રપાલી માહી કંપનીની ડાયરેક્ટર છે. તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગભગ 7 વર્ષ સુધી આમ્રપાલીનો બ્રાન્ડ એમ્બેસડર રહ્યો હતો.

માર્ચ 2019માં ધોનીએ આમ્રપાલી ગ્રુપની સામે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ધોનીએ સુપ્રીમ કૉર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે આમ્રપાલી ગ્રુપથી તેને 40 કરોડ રૂપિયા અપાવવામાં આવે, કેમકે આ દરમિયાન કંપનીએ પ્રચાર માટે તેનો ઉપયોગ કર્યો છે.