નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થઇ ચૂકી છે. ચાર ટીમોએ પોતાની સફર કરી દીધી છે જ્યારે બે ટીમો 22 ઓગસ્ટથી આ સફરની શરૂઆત કરશે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોતાની ત્રીજી જ્યારે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ આ દિવસે પોતાની બીજી ટેસ્ટ મેચ રમશે.

આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ત્રણ ટેસ્ટ મેચ બાદ પોઇન્ટ ટેબલમાં હાલમાં શ્રીલંકા નંબર વન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા, ઇગ્લેન્ડ ત્રીજા અને ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડના ખાતામાં એક પણ પોઇન્ટ નથી. જ્યારે ઇગ્લેન્ડને  લોર્ડ્સ ટેસ્ટ ડ્રો જતાં આઠ પોઇન્ટ્સ મળ્યા હતા. શ્રીલંકાના ખાતામાં 60 પોઇન્ટ્સ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ખાતામાં 32 પોઇન્ટ્સ છે.

ઓસ્ટ્રેલિયાના ખાતામાં એક જીત અને એક ડ્રો મેચ છે જ્યારે શ્રીલંકાના ખાતામાં એક જીત છે તેમ છતાં પોઇન્ટ્સ મામલામાં શ્રીલંકા ઘણી આગળ છે. વાસ્તવમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ સિસ્ટમ અનુસાર, બે મેચોની સીરિઝમાં જીતવા પર 60 પોઇન્ટ્સ, ટાઇ પર 30 પોઇન્ટસ અને ડ્રોના 20 પોઇન્ટ્સ મળશે જ્યારે હારવા પર એક પણ પોઇન્ટ નહી મળે. જ્યારે ત્રણ મેચની સીરિઝમાં જીતવા પર 40 પોઇન્ટ્સ, ટાઇ પર 20 પોઇન્ટ્સ અને ડ્રો પર 13 પોઇન્ટ્સ મળશે. ચાર મેચની સીરિઝમાં જીતનારી ટીમને 30 પોઇન્ટ્સ, ટાઇ પર 15 પોઇન્ટ્સ અને મેચ ડ્રો થાય તો 10 પોઇન્ટ્સ મળશે.