નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ઑલરાઉન્ડર ઈરફાન પઠાણ હાલમાં શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ રમી રહ્યો છે. કેન્ડી ટસ્કર્સ તરફથી રમી રહેલા ઈરફાન પઠાણે શુક્રવારે શાનદાર બેટિંગ કરી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.


પઠાણે પોતાના નામે ટી20 ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે આ કારનામું જાફના સ્ટાલિંસ વિરુદ્ધ કર્યું હતું,આ ઈનિંગમાં પઠાણે 19 બોલમાં 25 રન બનાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે, તેની ટીમને જીત પણ અપાવી હતી.

આ સિવાય ઈરફાન પઠાણે ટી-20 ફોર્મેટમાં 2 હજાર રનની સાથે 150 વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે હતો. જાડેજા 220 ટી-20 મેચમાં આ મુકામ સુધી પહોંચ્યો. જાડેજાએ ટી20 મેચમાં 2586 રનની સાથે 164 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે ઈરફાન માત્ર 180 મેચમાં આ કારનામું કર્યું. ઈરફાનને આ ફોર્મેટમાં 2000 રન પૂરા કરવા માટે 142 ઈનિંગ લાગી છે. પઠાણે 2009 રનની સાથે 173 ટી-20 વિકેટ પોતાના નામે કરી છે.

ઈરફાન પઠાણે 2021ના જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ ક્રિકટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. તે પોતાની અંતિમ મેચ 2012માં રમ્યો હતો જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ 2003માં કર્યું હતું.