મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 40 રને હાર આપી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 136 રન બનાવી શકી હતી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 17.4 ઓવરમાં 96 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી અલ્ઝારી જોસેફે 12 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તે સિવાય પોલાર્ડે 26 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સ 100 રનમાં ઓલઆઉટ થઇ જશે પરંતુ મેચની અંતિમ ઓવરોમાં 26 બોલમા 46 રનની ઇનિંગ રમી મુંબઇને 136 સ્કોર પર પહોંચાડી હતી. જોકે, બાદમાં જોસેફે છ વિકેટ ઝડપતા હૈદરાબાદની ટીમ 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.


જોસેફની આ પ્રથમ મેચ હતી જેમાં તેણે 3.4 ઓવરમાં ફક્ત 12 રન અને એક મેડન  સાથે કુલ છ વિકેટ ઝડપી હતી. સાથે ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ તરફથી ચાર ઓવરમાં 14 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ અગાઉ 137 રનના લક્ષ્યાંકો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ થોડા જ સમયમાં બંન્નેએ વિકેટ ગુમાવતા હૈદરાબાદની કફોડી થઇ ગઇ હતી.