નવી દિલ્લી: બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે આઈસીસીના ચેયરમેન શશાંક મનોહર પર કટાક્ષ કરતા કહ્યું કે, જેને આઈસીસી જવું હતું, તે ચાલ્યા ગયા અને તેમનો પરિષદમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. ઠાકુરે બીસીસીઆઈને પોતાની પ્રાથમિકતા બતાવી હતી.
રાજધાનીમાં આઈપીએલ માટે નિવિદા પ્રક્રિયાની જાહેરાત માટે આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે તેમને આઈસીસી જવાની સંભાવનાઓ વિશે પુછવામાં આવ્યું, ત્યારે ઠાકુરે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ઠાકુરે કહ્યું, “જેમને આઈસીસી જવું હતું, તે ચાલ્યા ગયા. મારો ત્યાં જવાનો કોઈ ઈરાદો નથી. મારા માટે ભારતથી વિશેષ કંઈ નથી.”
બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું, “જે લોકો ભારતને અલગ કરી વિશ્વ ક્રિકેટના ભલાની વાત કરે છે, તેમને એ સમજવું જોઈએ કે દેશને ભૂલાવીને વિશ્વમાં ક્યાં આગળ વધી શકાતું નથી. ક્રિકેટની દુનિયામાં તમે ભારત વગર કંઈ પણ કરી શકો તેમ નથી. વર્લ્ડ ક્રિકેટ આજે જ્યાં પણ છે તે ભારતના કારણે છે.”