મુંબઈ: ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટી20 મુંબઈ લીગની બીજી સિઝન માટે આકાશ ટાઈગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સચિન આ લીગનો બ્રાન્ડ એમ્બેસડર છે. સુજીત નાયકને પણ પાંચ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

લીગના ઓક્શનમાં અર્જુનને ઓલરાઉન્ડર ક્લાસમાં એક લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝમાં સામેલ કરાયો હતો. ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન ભારતની અંડર-19 ટીમ માટે અનધિકૃત ટેસ્ટ રમી ચૂક્યો છે. ઘણી ટીમોએ તેના માટે બોલી લગાવી હતી.

પરંતુ નોર્થ મુંબઈ પેન્થર્સે પાંચ લાખ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવી હતી પણ ઓક્શન કરાવી રહેલ ચારુ શર્માએ 2 નવી ટીમો આકાશ ટાઈગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ અને ઈગલ થાણે સ્ટ્રાઈકર્સની બરાબરી કરવા માટે ઓટીએમનો વિકલ્પ આપ્યો હતો.

બંને ટીમોએ ઓટીએમનો વિકલ્પ પસંદ કર્યો હતો. જેમાં એક બેગમાં 2 કાર્ડ રાખવામાં આવ્યા હતા અને મુંબઈ ક્રિકેટ સંઘ સમિતિના સદસ્ય ઉન્મેશ ખાનવિલકરે એક કાર્ડ ઉઠાવ્યું હતું. જેમાં આકાશ ટાઈગર્સનું નામ હતું. મુંબઈ ટી20 લીગ 14મેથી વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે.