એશિઝઃ વર્લ્ડકપ જીત્યાના 20 દિવસમાં ભૂંડી રીતે હાર્યું ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાએ 251 રને કચડ્યું
abpasmita.in | 05 Aug 2019 08:37 PM (IST)
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને છ વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ એશિઝ સીરિઝ અગાઉ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને 251 રનથી હરાવ્યું છે. સ્ટીવ સ્મિથ અને મૈથ્યૂ વેડની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને છ વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. આ અગાઉ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર રોરી બર્ન્સ 31 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. ઇગ્લેન્ડ તરફથી એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. જેસન રોય 28 રન બનાવીને આઉટ થયો હતો. તે નાથન લાયનનો શિકાર બન્યો હતો. બાદમાં ડેનલી 11, કેપ્ટન જો રૂટ 28, જોસ બટલર 1, બેયરિસ્ટો 6 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, નાથન લાયને બેન સ્ટોક્સને 6 રને આઉટ કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ અગાઉ પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટ પર 487 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી હતી. પૂર્વ કેપ્ટન સ્મિથે બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી 142 રન બનાવ્યા હતા. તે સિવાય મૈથ્યુ વેડે પણ શાનદાર 110 રન બનાવ્યા હતા. આ અગાઉ ઇગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 374 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.