હેડિંગ્લીઃ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 359 રનના લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે અણનમ 135 રન ફટકાર્યા હતા. એક તબક્કે ઈંગ્લેન્ડે 286 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી ત્યારે હાર નિશ્ચિત લાગતી હતી. પરંતુ અહીંથી બેન સ્ટોક્સે 11 ક્રમના બેટ્સમેન જેક લીચ સાથે મળીને 62 બોલમાં 76 રનના પાર્ટનરશિપ કરી મેચનું પાસું પલટી નાંખ્યું હતું. આ પાર્ટનરશિપમાં લીચે માત્ર એક જ રન કર્યો હતો. ઈંગ્લેન્ડની રોમાંચક જીતથી પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.


ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 246 રન બનાવી ઓલઆઉટ થયું હતું. સ્મિથના સ્થાને સમાવાયેલા માર્નસે 80 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડે 33 રનનું યોગદાન આપ્યું હતું. બેન સ્ટોક્સે 3 વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 67 રનમાં જ સમેટાઈ ગયું હતું. માત્ર એક જ બેટ્સમેન ડબલ ડિજિટમાં પહોંચી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 5 વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો.

મેચમાં ટોય હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 179 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસે 74 અને વોર્નરે 61 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચરે 6 વિકેટ લીધી હતી.