નવી દિલ્હીઃ ક્રિકેટની મેચ હોય અને વિકેટ પર બેલ્સ ના હોય તેવો કોઈએ વિચાર કર્યો છે. જોકે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી એશિઝ (Ashes) ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આવી ઘટના જોવા મળી હતી. જ્યારે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઉતર્યું તો તેમણે બેલ્સ વગર જ બેટિંગ કરવી પડી હતી. આવી ક્ષણ બોલરો માટે થોડી ચિંતાનો વિષય હતો.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાઇ ટીમની ઇનિંગની 32મી ઓવર ચાલતી હતી ત્યારે હવા એટલી ઝડપી હતી કે, સ્ટમ્પ પર બેલ્સ ટક્તી જ ન હતી અને તે વારંવાર નીચે પડી જતી હતી. આ પછી જ્યારે સ્ટમ્પ પર બેલ્સ ટક્તી ન હતી તો મેદાન પર ઉભેલા અમ્પાયર કુમાર ધર્મસેના અને મરાએસ એરામસનએ અંદરોઅંદર વાતચીત કરીને બેલ્સ વીના જ રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન મેદાન પર પ્સાસ્ટિક બેગ્સ અને બોલ પણ ઉડીને આવ્યા હતા.

બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય નિયમોના આધારે લેવામાં આવ્યો હતો. નિયમ 8.5 પ્રમાણે જો જરુર હોય તો અમ્પાયર બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય કરી શકે છે. નિયમ પ્રમાણે અમ્પાયર પરિસ્થિતિ સામાન્ય થતા પર ફરીથી બેલ્સના ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. બેલ્સ હટાવ્યા પછી બેટ્સમેન રન આઉટ થાય કે સ્ટમ્પ આઉટ થાય તો અમ્પાયર વિચાર કરીને નિર્ણય કરે છે.

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને બોલર બ્રાડએ અમ્પાયરને કહ્યું કે, તેઓ બેલ્સ સાથે જ રમતને ચાલુ રાખે પરંતુ અમ્પાયરનો આ નિર્ણય આઇસીસીના નિયમોને જ આધિન હતો. માટે આ રમત ત્યાં સુધી બેલ્સ વીના જ રમાઇ જ્યાં સુધી પરિસ્થિતિ બેલ્સને અનુકૂળ ન થઈ.