નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરનું નસીબ એકવાર ફરી ખરાબ રહ્યુ અને તે આ મેચમાં પ્રથમ ઇનિંગમાં ફક્ત 5 રન બનાવીને જોફ્રા આર્ચરની બોલ પર આઉટ થયો હતો. રસપ્રદ વાત એ છે કે એશિઝ સીરિઝની તમામ મેચ રમીને ડેવિડ વોર્નર 9 ઇનિંગમાં 84 રન બનાવી શક્યો છે. તો બીજી તરફ સ્મિથે અત્યાર સુધીમા ફક્ત 6 ઇનિંગમાં 751 રન બનાવી દીધા છે. આ દરમિયાન તેણે 88 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી છે. જોવામાં આવે તો ડેવિડ વોર્નરના કુલ રનની સંખ્યાથી વધુ સ્મિથે ચોગ્ગા ફટકાર્યા છે.


સ્મિથની છેલ્લી 10 ઇનિંગની વાત કરવામાં આવે તો તેણે ઇગ્લેન્ડ વિરુદ્ધ 236, 76, 102, 83, 144, 92, 211, 82 અને 80 રન ફટકાર્યા છે. સ્મિથે ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સતત 10મી વખત 50નો આંકડો પાર કર્યો છે. સ્મિથે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇઝમામ ઉલ હકનો રેકોર્ડ તોડ્યો છે. જેણે ઇગ્લેન્ડ વિરુદ્ધ સતત 9 ઇનિંગમાં 50નો આંકડો પાર કર્યો હતો. સ્મિથે ઇગ્લેન્ડ વિરુદ્ધ 2017-19 વચ્ચે રમાયેલી 10 ટેસ્ટ ઇનિંગમાં 5 સદી (બે બેવડી સદી સામેલ છે.) સિવાય 5 અડધી સદી લગાવી છે. બીજી તરફ વોર્નરની વાત કરવામાં આવે તો તે વર્તમાન એશિઝ સીરિઝમાં ફક્ત એક વખત બે આંક સુધી પહોંચી શક્યો છે. તેણે 5 ટેસ્ટની 9 ઇનિંગમાં ક્રમશ 2,8,3,5,61,0,0,0 અને 5 રન બનાવ્યા છે.