નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસના અવસર પર આજે એક દેશ-એક ભાષાની વકીલાત કરી હતી જેને કારણે હિંદી પર ફરીથી ચર્ચા છેડાઇ હતી. અમિત શાહના આ નિવેદન પર અનેક વિપક્ષ નેતાઓએ વિરોધ કર્યો હતો. બંગાળથી લઇને દક્ષિણના રાજ્યોના વિપક્ષ નેતાઓએ તેને લઇને પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે કહ્યું કે, આખા દેશની એક ભાષા હોવી ખૂબ જરૂરી છે જે દુનિયામાં ભારતની ઓળખ બને. ગૃહમંત્રીએ કહ્યું કે, આજે દેશને એકસૂત્રથી કોઇ બાંધી શકે છે તો તે કોઇ ભાષા જ કરી શકે છે અને તે સૌથી વધુ બોલાતી હિંદી ભાષા જ છે. જોકે, એક ભાષાનો આ વિચાર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીએમકે ચીફ સ્ટાલીન સહિત અનેક નેતાઓને પસંદ આવ્યું નથી.


ઓવૈસીએ ‘એક ભાષા’ની ડિબેટને હિંદુત્વ સાથે જોડીને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કર્યો. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હિંદી તમામ ભારતીયની માતૃભાષા નથી. શું તમે આ દેશને અનેક માતૃભાષાઓ હોવાની વિવિધતા અને ખૂબસુંદરતાની પ્રશંસા કરવાનો પ્રયત્ન કરશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આગળ કહ્યું કે, કલમ 29 તમામ ભારતીયને પોતાની અલગ ભાષા અને કલ્ચરનો અધિકાર આપે છે. ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભારત દેશ હિંદી, હિંદુ, હિંદુત્વ પણ મોટો છે.


પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હિંદી દિવસની શુભકામના. આપણે તમામ ભાષાઓ અને સંસ્કૃતિઓનું સમાન રીતે સન્માન કરવુ જોઇએ. આપણે અનેક ભાષાઓ શીખવી જોઇએ પરંતુ આપણે આપણી માતૃભાષાને ક્યારેય ભૂલવી જોઇએ નહીં.