નવી દિલ્હીઃ ગઈકાલે રાત્રે આઈપીએલના 40મા મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે હાઈસ્કોર મેચ જોવા મળ્યો. પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 191 રન બનાવ્યા. રાજસ્થાનના આ મોટા સ્કોર સુધી પહોંચવામાં સૌથી મહત્ત્વનો ફાળો ટીમના પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ આપ્યો. તેણો પોતાની આઈપીએલ કારકિર્દીની બીજી સેન્ચુરી ફટકારી હતી. ઉપરાંત કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. તેમ છતાં રાજસ્થાન આ મેચ હારી ગયું હતું.



કેપ્ટન અને પૂર્વ કેપ્ટનની શાનદાર બેટિંગની વચ્ચે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એશ્ટન ટર્નરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર આ બેટ્સમેન ટી20 મેચમાં સતત પાંચમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તમને જણાવીએ કે ટર્નર ટી20માં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ બેટ્સમેન છે.

બિગ બેશ લીગમાં પર્થ સ્કોચર્શ તરફથી રમતા 9 ફેબ્રુઆરી 2019ના રોજ એડિલેડમાં ટર્નર શૂન્ય પર આઉટ થયો. બીજી વખત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત વિરૂદ્ધ વિશાખાપટ્ટનમાં એક વખત ફરી ગોલ્ડન ડક પર આઉટ થયો. બાદમાં આઈપીએલમાં 16 એપ્રિલના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ વિરદ્ધ પણ તે ખાતું ખોલાવી ન શક્યા. ચોથી વખત ટર્નર શૂન્ય પર આઉટ ત્યારે થયો જ્યારે તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મેદાન પર ઉતર્યો હતો. પાંચમી વખત ટર્નર દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ શૂન્ય પર આઉટ થયો.