Asian Boxing Championships: ભારતીય મહિલા ખેલાડીઓએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ચાર મહિલા બોક્સરોએ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમાંથી ભારતીય બોક્સર Lovlina Borgohain (75kg), પરવીન હુડા (63kg), સ્વીટી (81kg) અને Alfia Khan (81+kg) એ જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Lovlina Borgohainનું શાનદાર પ્રદર્શન
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિનાએ ઉઝબેકિસ્તાનની રુઝમેતોવો સોખીબા પર 5-0 થી જીત મેળવી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 25 વર્ષીય લવલિનાના ખરાબ ફોર્મમાં હોવાથી આ જીત મનોબળ વધારનારી હતી. તેણી વર્લ્ડ ચેમ્પિયનશીપ અને કોમનવેલ્થ ગેમ્સમાં સારુ પ્રદર્શન કરી શકી નહોતી.
પરવીને કર્યું શાનદાર પ્રદર્શન
પરવીન હુડ્ડાએ જાપાનની કીટો માઈને એટલા જ માર્જીનથી હરાવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા પરવીન કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકી ન હતી, પરંતુ તેણીએ અહીં ચોથી ક્રમાંકિત માઈ સામે પ્રભુત્વ જમાવ્યું હતું અને જીત મેળવી હતી. બંને બોક્સરોએ આક્રમક શરૂઆત કરી હતી પરંતુ પરવીને ટૂંક સમયમાં જ પ્રભુત્વ જમાવ્યું હતું અને તેના પ્રતિસ્પર્ધીને અનેક મુક્કા માર્યા હતા.પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ કિટોએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પરવીનને તેને કોઇ તક આપી નહોતી. ભારતીય બોક્સરે ત્રીજા રાઉન્ડમાં તેના અપર કટનું સારું ઉદાહરણ રજૂ કર્યું હતું.
સ્વીટીએ પોતાની તાકાત બતાવી
મહિલાઓની 81 કિગ્રાની ફાઇનલમાં સ્વીટીએ સર્વસંમત નિર્ણયથી ગુલસાયા યેરજાનને હરાવી હતી. સ્વીટીએ સર્વસંમતિથી નિર્ણય લઈને કઝાકિસ્તાનની ગુલસાયાને 5:0 થી હાર આપી હતી.
અલ્ફિયા ખાને મેળવી જીત
અલ્ફિયા ખાને મહિલાઓ માટે દિવસનો ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલ્ફિયા ખાને મહિલાઓની 81 પ્લસ કિગ્રાની ફાઇનલમાં જીત મેળવી હતી. ઇસ્લામ હુસૈનીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ મહિલાઓના કારણે જ એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન થયું હતું.