India vs Malaysia Final Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં તેનો મુકાબલો મલેશિયા સામે થશે. સેમીફાઈનલમાં ભારતે જાપાનને 5-0થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા પાસે પાકિસ્તાનને પાછળ છોડવાની તક છે. પરંતુ આ માટે તેણે ફાઈનલ જીતીને ટાઈટલ પર કબજો કરવો પડશે.


ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સૌથી વધુ વખત જીતવાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી શકે છે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યા છે. આથી આ બંને ટીમો સંયુક્ત રીતે નંબર વન પર છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી શકે છે. જો તે ફાઇનલમાં મલેશિયાને હરાવશે તો તે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતશે. ભારત-પાકિસ્તાન સિવાય કોરિયાએ પણ એક વખત ટાઈટલ જીત્યું છે.


સેમીફાઈનલમાં જાપાનને 5-0થી હરાવ્યું


ભારતે આ વખતે સેમીફાઈનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું. મેચના પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ આક્રમક રમત બતાવતા પહેલા હાફ સુધી 3-0ની લીડ મેળવી લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં 2 ગોલ કર્યા હતા. આથી ભારતે મેચ 5-0થી જીતી લીધી હતી. તેના માટે અર્શદીપ સિંહ, મનદીપ સિંહ, સુમિત, કાર્તિ સેલ્વમ અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યા હતા.


નોંધપાત્ર વાત એ છે કે ટુર્નામેન્ટમાં છ ટીમો મેદાનમાં ઉતરી હતી. પાકિસ્તાન અને ચીનની ટીમો નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી નથી. ગ્રુપ સ્ટેજ સુધી તમામ ટીમોએ 5-5 મેચ રમી છે. ટીમ ઈન્ડિયા 13 પોઈન્ટ સાથે ટોપ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. મલેશિયાની ટીમ બીજા સ્થાને રહી હતી. તેના 12 પોઈન્ટ હતા. જ્યારે પાકિસ્તાન, કોરિયા અને જાપાન 5-5 પોઈન્ટ સાથે બરાબરી પર રહ્યા હતા. ચીનને માત્ર એક પોઈન્ટ મળ્યો હતો. 


ભારતીય હોકી ટીમે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 3 ઓગસ્ટે ચીન સામે રમી હતી. ભારતે ચીનને 7-2થી કારમી હાર આપી હતી. આ પછી ભારતનો બીજો મુકાબલો જાપાન સાથે હતો જે 1-1થી ડ્રો રહ્યો હતો. ત્રીજી મેચમાં ભારતીય ટીમનો સામનો મલેશિયા સામે થયો હતો, જેમાં ભારતીય ટીમનો 5-0થી વિજય થયો હતો. હવે ભારતીય ટીમ ફાઈનલ મેચમાં પણ મલેશિયા સાથે ટકરાશે.


આ પછી ટીમ ઈન્ડિયાની ચોથી મેચ કોરિયા સામે હતી, જેમાં ભારતનો 3-2થી વિજય થયો હતો. ત્યારબાદ પાંચમી મેચમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાન  હતું. ભારતની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી, જેમાં ભારતે 4-0થી જીત મેળવીને પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ટીમે જાપાન સામેની સેમીફાઈનલ જીતીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી.