જકાર્તાઃ ભારતની હિમા દાસે રવિવારે 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. હિમા જીબીકે મેન સ્ટેડિયમમાં રવિવારે આયોજિત ફાઇનલમાં 50.79 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી.
બહરીનની સલ્વા નાસિકે 50.09 સેકન્ડ સાથે સુવર્ણ મેડલ જીત્યો હતો. જે એક નવો એશિયન રેકોર્ડ છે. કાંસ્ય મેડલ કઝાકિસ્તાનની અલિના મિખિનાને મળ્યો હતો. મિખિનાએ 52.63 સેકેન્ડનો સમય લીધો હતો. આ સ્પર્ધામાં સામેલ ભારતની અન્ય એક એથલિટ નિર્મલાને ચોથું સ્થાન મળ્યું હતું. નિર્મલાએ 52.96 સેંકન્ડ સમય લીધો હતો.
એથ્લિટ મોહમ્મદ અનસ યાહિયાએ મેન્સ 400 મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનસે 45.69 સેકન્ડના સમય સાથે બીજુ સ્થાન મેળવી સિલ્વર મેળવ્યો હતો.
ભારતીય એથ્લિટ ગોવિંદન લક્ષ્મણને રવિવારે પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુના રહેવાસી ગોવિંદનનો આ એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ છે. ગોવિંદને 29 મિનિટ અને 44.91 સેકન્ડમાં રેસ પુરી કરી ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
એશિયન ગેમ્સમાં ભારત 33 મેડલ્સ સાથે 9માં સ્થાન પર છે. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ છે.