Asian Games 2023:  એશિયન ગેમ્સની હૉકી ઈવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ સોમવારે (2 ઓક્ટોબર) પુલ-એમાં તેની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતને પુલમાં સતત પાંચમી જીત મળી છે. તે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. આ જીત સાથે તે પુલ-એમાં ટોચના સ્થાને યથાવત છે. ટીમ ઈન્ડિયા હવે 3 ઓક્ટોબરે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની પાંચેય મેચ જીતી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે કુલ 58 ગોલ કર્યા છે.






ટીમ ઈન્ડિયાએ 3 ઓક્ટોબરે સેમિફાઈનલમાં રમશે જ્યાં તેનો સામનો યજમાન ચીન સાથે થઈ શકે છે. આ વખતે ભારતે અત્યાર સુધીમાં 58 ગોલ કર્યા છે અને તેની સામે માત્ર પાંચ ગોલ થયા છે.


ભારત માટે મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ અને મનદીપ સિંહે પોત પોતાની હેટ્રિક પુરી કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. અભિષેક બે વખત બોલને ગોલ પોસ્ટ સુધી લઈ ગયો હતો. લલિત ઉપાધ્યાય, અમિત રોહિદાસ, અભિષેક અને નિલકાંત શર્માએ એક-એક ગોલ કર્યા હતા.                         


નોંધનીય છે કે એશિયન ગેમ્સમાં આઠમા દિવસ સુધી મેડલ ટેલીમાં ચીન નંબર વન પર છે. તેણે 8મા દિવસ સુધી કુલ 244 મેડલ જીત્યા. તેની પાસે 133 ગોલ્ડ, 72 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ છે. કોરિયા બીજા નંબર પર છે. કોરિયાએ 125 મેડલ જીત્યા છે. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 60 બ્રોન્ઝ સામેલ છે. જાપાન ત્રીજા નંબર પર છે. જાપાને કુલ 112 મેડલ જીત્યા છે. ભારત 53 મેડલ સાથે ચોથા સ્થાને છે.


એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને ચીન સામે 3-2થી હાર મળી હતી. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતે હવે કુલ 53 મેડલ જીત્યા છે.