Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતની કિરણ બાલિયાને મહિલાઓની શોટ પુટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ એશિયન ગેમ્સમાં ભારતનો આ 33મો મેડલ છે. કિરણે ત્રીજા પ્રયાસમાં 17.36 મીટર ફેંકીને આ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ચીનના ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.
કિરણ બાલિયાનની વાત કરીએ તો તે મેરઠની રહેવાસી છે જેણે એશિયન ગેમ્સ 2023માં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું છે. 19મી એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 33 પર પહોંચી ગઈ છે, જેમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
એશિયન ગેમ્સમાં અત્યાર સુધીની શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ તે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બંને જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભારતીય મહિલા સ્ક્વોશ ટીમને સેમિફાઇનલમાં હોંગકોંગની ટીમ સામે હારનો સામનો કરવો પડતાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
નિખત ઝરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી
ભારતની સ્ટાર મહિલા બોક્સર નિખત ઝરીને 29 સપ્ટેમ્બરે મહિલાઓની 46 થી 50 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જોર્ડનની ખેલાડીને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નિખતે માત્ર 127 સેકન્ડમાં મેચ જીતીને દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. આ સાથે નિખતે વર્ષ 2024 માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે કોટા મેળવવામાં પણ સફળળા મેળવી છે. આ સિવાય ભારતની મેન્સ સ્ક્વોશ ટીમ પણ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.
ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને ધૂળ ચટાડી
ભારતીય મહિલા હોકી ટીમ 2023ની એશિયન ગેમ્સમાં સતત ચમકતી રહી છે. પૂલ-એની તેની બીજી મેચમાં ભારતીય ટીમે મલેશિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમે સેમિફાઈનલમાં પહોંચવાનો પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે.