Asian Games 2023: એશિયન ગેમ્સનો આજે આઠમો દિવસ છે. ભારતને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ અને સાતમા દિવસે પાંચ મેડલ મળ્યા હતા. આજે ભારત મેડલની અડધી સદી પૂરી કરી શકે છે.


કીનને બ્રોન્ઝ મેડલ જીત્યો 


કીનને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે લક્ષ્ય પર 40 માંથી 32 શોટ ફટકારવામાં સફળ રહ્યો હતો. કીનન ડેરિયસ ચેનાઈ પુરુષોની ટ્રેપ વ્યક્તિગત ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. ચીનને ગોલ્ડ અને કુવૈતને સિલ્વર મેડલ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ વખતે એશિયન ગેમ્સમાં શૂટિંગમાંથી કુલ 22 મેડલ જીત્યા છે. તેણે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.






ટીમ ઈન્ડિયાએ વધુ એક ગોલ્ડ જીત્યો


આજે ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો  હતો. ટીમ ઈન્ડિયાએ શૂટિંગની ટ્રેપ મુખ્ય ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. તો  પ્રથમ મહિલા ટીમે આશ્ચર્યજનક પરિણામો દર્શાવ્યા છે. મહિલા ટીમે ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.


ગોલ્ફમાં સિલ્વર મેડલ જીતી અદિતિએ ઈતિહાસ રચ્યો


ગોલ્ફમાં ભારતની અદિતિ અશોકે આજે સવારે સિલ્વર મેડલ જીત્યો હતો. અદિતિ અશોકનો સિલ્વર મેડલ ઐતિહાસિક છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ગોલ્ફરે ભારત માટે મેડલ જીત્યો છે. દેશને અદિતિ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. જોકે આ શક્ય બન્યું નહોતું. ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ગોલ્ડ મેડલ ચૂકી જતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અદિતિ શનિવારે રમતના અંત સુધી ત્રણ રાઉન્ડ પછી આગળ હતી. પરંતુ તે આજે તેને જાળવી શકી નહોતી.


7માં દિવસના અંતે ભારત પાસે 10 ગોલ્ડ સહિત 38 મેડલ


ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસના અંત સુધીમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ સહિત કુલ 38 મેડલ છે. અત્યાર સુધીમાં ભારતે 10 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે આઠમા દિવસે એટલે કે રવિવાર, 1લી ઓક્ટોબરે, ભારતીય એથ્લેટ્સ ઘણા મેડલ જીતી શકે છે.