Asian Wrestling Championships: એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને એકવાર ફરી નિરાશ થવું પડ્યુ છે. ભારતે અત્યાર સુધી આ ચેમ્પિયનશિપમાં એક પણ ગોલ્ડમેડલ જીત્યો નથી. જોકે ગયા વર્ષની ચેમ્પિયન સરિતા મોરે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરવા છતાં એશિયા રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. તે સિવાય સુષમા શૌકીનને પણ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
વિશ્વ ચેમ્પિયનશીપ 2021માં બ્રોન્ઝ મેડલ વિજેતા સરિતાએ 59 કિલોગ્રામમાં બે હારથી શરૂઆત કરી હતી. આ વજન કેટેગરીમાં પાંચ કુસ્તીબાજો હરીફાઈ કરી રહ્યા હતા અને સરિતા શરૂઆતમાં મંગોલિયાના શુવડોર બાતરજાવ (1-2) અને જાપાનની સારા નતામી સામે હારી ગઈ હતી. ત્યારબાદ તેણે અંતિમ બે મેચ જીતીને તેણે વાપસી કરી હતી. સરિતાએ પ્રથમ ઉઝબેકિસ્તાનની દિલફૂઝા એમ્બેતોવાને હરાવી હતી અને ત્યારબાદ ડાયના ક્યૂમોવા પર 5-2થી જીત હાંસલ કરી હતી.
ત્યારબાદ સરિતાએ કહ્યું કે હું મંગોલિયાની ખેલાડી સામે જીતી શકતી હતી પરંતુ તે યજમાન દેશની ટીમ તરફથી હતી તો તેને રેફરીનો સાથ મળ્યો હતો. તે મેટ પરથી હટી રહી હતી પરંતુ તેને કોઇ ચેતવણી આપવામાં આવી નહી. જેનો તેને ફાયદો મળ્યો હતો.
તેણે કહ્યું કે જાપાનની પહેલવાનને પણ હરાવી શકાઇ હોત પરંતુ આજે મારો દિવસ નહોતો. હું જેમ ઇચ્છતી હતી તેવું પ્રદર્શન કરી નહીં. કદાચ હવામાનના કારણે આવું થયું. કારણ કે આ શહેર ખૂબ ઉંચાઇ પર સ્થિત છે. હું મેટ પર સક્રીય નહી શકી નહીં. તે સિવાય મારી મેચ વચ્ચે ઓછો સમય હતો.
સુષ્માએ 55 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં પણ ફક્ત પાંચ રેસલર સામેલ હતા. સુષ્મા જાપાનની ઉમી ઇમાઇ સામે હારી ગઇ હતી પરંતુ તેણે કઝાકિસ્તાનની અલ્ટિન શગાયેવા પર 5-0થી જીત હાંસલ કરી વાપસી કરી હતી. બાદમાં તેણે ઉઝબેકિસ્તાનની સરબીનાઝ જિનબાએવાને પણ હરાવી હતી. જોકે સુષ્માને સ્થાનિક રેસલર ઓટગોંજાર્ગલ સામે હાર મળી હતી.
મનીષા પણ 50 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલની રેસમાં હતી પરંતુ તે મેડલ મેચમા ઉઝબેકિસ્તાનની જૈસ્મિના ઇમ્માએવા સામે હારી ગઇ હતી. ભારતે અત્યાર સુધી આ ચેમ્પિયનશીપમાં સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે.