નવી દિલ્હીઃ બીસીસીઆઈના ભાવી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતમાં એક સવાલના જવાબમાં દેશના પીએમ મોદીને યાદ કર્યા. પૂર્વ ભારતીય કેપ્ટનને જ્યારે ભારત-પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ સંબંધ વિશે સવાલ કરવામાં આવ્યો તો ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું કે, તમારે આ સવાલ મોદી જી અને પાકિસ્તાનના પીએમને પૂછવો જોઈએ.


સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર સ્પષ્ટ જવાબ આપતા કહ્યું હતું કે પીએમ મોદી અને કિસ્તાનના પીએમ ઇમરાન ખાન જ બંને દેશો વચ્ચે શ્રેણીનો નિર્ણય કરી શકે છે. દાદાએ કહ્યું હતું કે તમારે આ સવાલ પીએમ મોદી જી અને ઇમરાન ખાનને પુછવો જોઈએ. નિશ્ચિત રીતે અમને જ્યારે સરકારની મંજૂરી મળશે ત્યારે જ કંઈ થઈ શકશે. આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી.



ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007 પછી કોઈ ટેસ્ટ શ્રેણી યોજાઈ નથી. બંને ટીમો ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ્સ અને એશિયા કપમાં એકબીજા સામે રમે છે. ગાંગુલીએ પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે સરકાર કહેશે બીસીસીઆઈ તેનું જ પાલન કરશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020 પહેલા ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં રમાઈ શકે છે. ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ કરાવવા માટે આઈસીસી આ આઈડિયા ઉપર કામ કરી રહ્યું છે.