ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 127 લોકોના મોત થયા છે. ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભડકેલી હિંસામાં 35 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 લોકોના મોત થયા હતા.






ઇન્ડોનેશિયામાં બે ફૂટબોલ ટીમના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ આ અથડામણ એટલી હિંસક બની ગઈ કે તેમાં અત્યાર સુધીમાં 129 લોકોના મોત થયા છે. આ હિંસક અથડામણ બાદ ઇન્ડોનેશિયન પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ તેના કારણે ભીડ બેકાબૂ બની ગઈ હતી. ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.






કેવી રીતે શરૂ થયો વિવાદ


આ ફૂટબોલ મેચ ઇન્ડોનેશિયાના એક સ્ટેડિયમમાં Arema FC અને Persebaya ક્લબ વચ્ચે રમાઈ રહી હતી. આખું સ્ટેડિયમ બંને ટીમના સમર્થકોથી ભરેલું હતું, પરંતુ પછી એક ટીમ હારી ગઈ અને બંને ટીમના ચાહકો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. સ્ટેડિયમમાં બેસેલા સમર્થકો એકબીજા સામે લડવા લાગ્યા હતા. સ્થિતિ એવી હતી કે ત્યાં હાજર સુરક્ષા દળોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. તોફાન વધતા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય સશસ્ત્ર દળોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કોઈક રીતે સેનાના જવાનોએ તોફાની ભીડને સ્ટેડિયમમાંથી બહાર કાઢી હતી. લોકો સ્ટેડિયમની બહાર નીકળ્યા ત્યાર બાદ પણ હિંસા થઈ હતી. આ ભયાનક દુર્ઘટના બાદ હવે ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી BRI Liga 1 લીગને આગામી 7 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મેચ પૂર્વ જાવાના Kanjurahan સ્ટેડિયમમાં ચાલી રહી હતી. તોફાની તત્વોને રોકવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.